રાજકોટ-

ગુજરાત ટેકનોલોજી યુનિ.માં ચાલુ વર્ષે વધુ 18 દેશોના 76 વિદ્યાર્થીઓએ એડમીશન આઇસીસીઆર મારફતે મેળવેલ છે. વિદેશી વિદ્યાર્થીઓએ ગુજરાતમાં સૌથી વધુ એડમીશન આ ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.માં મેળવેલ છે.

આ અંગે ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ના કુલપતિ ડો.નવીનભાઇ શેઠે જણાવ્યું હતું કે દેશમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. સહિત માત્ર ત્રણ યુનિ.ઓમાં વિદેશી વિદ્યાર્થીઓએ આઇસીસીઆર મારફતે એડમીશન મેળવેલ છે.જેમાં દિલ્હીની ટેકનીકલ યુનિ. અને આંધ્રપ્રદેશની વિશ્ર્વ વિદ્યાલયનો પણ સમાવેશ થાય છે. ડો.નવીનભાઇ શેઠે જણાવેલ હતું કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.માં હાલ 550 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમા ચાલુ વર્ષે 18 દેશોના વધુ 76 વિદ્યાર્થીઓએ ઇજનેરી ડિગ્રી-ડિપ્લોમાં, ફાર્મસી સહિતની વિદ્યા શાખામાં પ્રવેશ લીધા છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે વિદેશી વિદ્યાર્થીઓ વધુને વધુ રાજયની યુનિ.ઓમાં અભ્યાસ માટે આવે તે માટે સરકાર દ્વારા ખાસ યોજના અમલ કરાયેલ છે. જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.માં ચાલુ વર્ષે 76 વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા એડમીશન લેવામાં આવેલ છે.