અમદાવાદ-

કોરોનાકાળમાં પોતાના સંતાનોને ભણાવવા માટે આકાશપાતાળ એક કરતા વાલીઓ પાસેથી તગડી ફી વસૂલતી વધુ એક શાળાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેને પગલે અમદાવાદની જેજી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ફી નિર્ધારણ સમિતિની ભલામણ કરતા વધારે લેવાયેલી ફી વાલીઓને પરત ચૂકવવી પડશે, એવો આદેશ અપાયો છે. 

સૂત્રો જણાવે છે કે, આ શાળાએ ધોરણ 11 અને 12 માટે વિદ્યાર્થી દીઠ 12 લાખ રૂપિયા ફી ઉઘરાવી હતી. ફી નિર્ધારણ સમિતિએ આ શાળાને તેનાથી ક્યાંય ઓછી ફી ઉઘરાવવાની મંજૂરી આપી હતી, પણ શાળાએ એ ફરમાન માન્યું નહોતું અને ફી ઉઘરાવી હતી. આખરે સમિતિએ વાલીઓની રજૂઆતને પગલે શાળા પાસેથી વધારાની ફી પરત લેવા આદેશ કર્યો હતો. આ આદેશ મુજબ હવે શાળાએ વાલીઓને વધારાની રકમ પરત ચૂકવવાની થાય છે. દરેક વાલીને શાળાએ 3 લાખ 17 હજાર પરત આપવા એવો આદેશ અપાયો છે. શાળાને આ માટે 14 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો શાળા તેમ નહીં કરે તો, 15 દિવસ બાદ તેણે વ્યાજ સહિત રકમ વાલીઓને ચૂકવવાની થશે એમ જણાવાય છે.