પટના-

કોરોના મહામારીને લીધે સમગ્ર એક વર્ષ નું શૈક્ષણિક કાર્ય બગડ્યુ છે. શાળાઓ બંધ હોવાથી વિદ્યાર્થીઓ સ્કૂલ જઇ શક્યા નથી આથી એક રાજ્યની સરકારે વિદ્યાર્થીઓનો પરિક્ષા વગર પાસ કરવાનો નિર્ણય લીધો છે. બિહારમાં પહેલા ધોરણથી લઈને 8મા ધોરણના વિદ્યાર્થીઓને પરિક્ષા લીધા વિના આગળના ધોરણમાં પ્રમોટ કરવામાં આવશે. રાજ્યના શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે. કોરોના સંકટ અને લોકડાઉન રહેતાં સતત સ્કૂલો બંધ રહેવાને કારણે અને બાળકોના અભ્યાસ પ્રભાવિત થવાને કારણે આ પગલું ભરાયું છે. ગત છેલ્લા 1 વર્ષથી સ્કૂલો બંધ હોવાને કારણે બાળકોએ ઘર પર જ પોતાનો અભ્યાસ કરવો પડ્યો હતો. એવામાં શિક્ષણ વિભાગે 1થી 8મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન - પ્રમોટ કરવા માટે સ્કૂલોને આદેશ આપ્યો છે.

શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ સંજય કુમારે જણાવ્યું કે સ્કૂલો બંધ થવાને કારણે બાળકોને થયેલા શૈક્ષણિક નુકસાનની ભરપાઈ માટે ત્રણ મહિના માટે સ્પેશ્યલ સ્કૂલો ચલાવવામાં આવશે. આ ક્લાસિસમાં વિદ્યાર્થીઓને તમામ વિષયોથી જોડાયેલા જરૂરી ટોપિક ભણાવવામાં આવશે. જેનાથી આગળના ધોરણમાં અભ્યાસ કરવામાં વિદ્યાર્થીને વધારે મુશ્કેલી ના પડે. આ ધોરણમાં તે બાળકોને વધારે ફાયદો થશે જેણે કોઈપણ કારણોસર ઓનલાઈન અભ્યાસ કર્યો નથી.

રાજ્યની તમામ સરકારી સ્કૂલોમાં ધોરણ 1થી 8માં ભણતા 1.6 કરોડ વિદ્યાર્થીઓ માટે માર્ચના મધ્યમાં સ્પેશ્યલ ક્લાસિસ ચાલુ કરાઈ શકાય છે. હાલમાં બિહાર બોર્ડમાં 10મા ધોરણની પરીક્ષાઓ ચાલી રહી છે. જે 24 ફેબ્રુઆરીએ પૂરી થશે. આ પહેલા બિહાર બોર્ડે 12મા ધોરણની પરીક્ષાઓ લીધી છે. જાણકારી મુજબ શિક્ષણ વિભાગે 9મા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ વચ્ચે લેવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. આ પછી 1થી 8મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ક્લાસ રાખી શકાય છે.

ગત વર્ષે પણ એપ્રિલ 2020માં શિક્ષણ વિભાગે કોરોના વાયરસના સંક્રમણને લીધે ફાઈનલ પરીક્ષાઓ લીધી નહોતી. આ સમયે પણ વિના પરીક્ષાએ 1થી 9 અને 11મા ધોરણના વિદ્યાર્થીને પ્રમોટ કર્યા હતા. આ વખતે 1થી 8ના વિદ્યાર્થીઓને પ્રમોટ કર્યા છે.