ગાંધીનગર-

રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૨૩૯૮ શિક્ષકોને નિમણૂક અપાશે. આ માટે ૧ જૂનના રોજ શિક્ષકોને ભલામણ પત્ર અને નિમણૂક હુકમો અપાશે, તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. કોવિડ-૧૯ના પગલે શિક્ષકોને ડ્રાઈવ થ્રૂ પદ્ધતિથી નિમણૂક હુકમ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. ૧ જૂનના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ૫ શિક્ષકોને ભલામણ પત્ર અને નિમણૂક હુકમો આપવામાં આવશે. જેનું યૂટ્યૂબ ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ જ દિવસે તમામ જિલ્લા મથકે કલેક્ટર કચેરીમાં ૨૦ ઉમેદવારોને પણ હુકમો અપાશે.

પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે, રાજ્યની બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી અંતર્ગત ઉમેદવારોને ઓનલાઈન શાળા ફાળણી પત્રો ઉમેદવારોને ૨૭ મે ૨૦૨૧થી ૧ જૂન ૨૦૨૧ સુધી ડાઉનલોડ કરી જિલ્લા મથકે ભલામણ પત્ર અને નિમણૂક હુકમ મેળવવા માટે ૧ જૂનના રોજ ઉપસ્થિત રહેશે. આ માટે ઉમેદવારોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

શાળા ફાળવણી પામેલા ૨૯૩૮ ઉમેદવારો પૈકી પ્રતિનિધિ રૂપે ગાંધીનગર જિલ્લામાં પસંદગી પામેલા ઉમેદવારો પૈકી ૫ ઉમેદવારોને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક હુકમ એનાયત કરવામાં આવશે. ઉપરાંત નવ નિયુક્ત શિક્ષકોને મુખ્યમંત્રી સંબોધન કરશે અને તેનું લાઈવ પ્રસારણ યૂટ્યૂબના માધ્યમથી કરવામાં આવશે. આ પ્રસારણ તમામ ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી નિહાળે તે માટે સૂચના અપાઈ છે. દરેક જિલ્લા મથકે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાને ફાળવાયેલા ઉમેદવારો પૈકી ૨૦ ઉમેદવારોને વિડીયો કોન્ફરન્સ રૂમમાં હાજર રાખવાના રહેશે. ત્યારબાદ મુખ્યમંત્રીના કાર્યક્રમ વખતે આ ૨૦ ઉમેદવારોને ભલામણ પત્ર અને નિમણૂક હુકમ એનાયત કરવાના રહેશે. જિલ્લામાં શાળા ફાળવણી પામેલા ઉમેદવારોને તેમને ફાળવાયેલી શાળાના ભલામણ પત્ર તેમજ નિમણૂક હુકમ આપવાની કાર્યવાહી ડ્રાઈવ થ્રૂ પદ્ધતિ કરવાની રહેશે.