રાજકોટ-

ગુજરાત માધ્યમીક અને ઉ.મા. શિક્ષણ બોર્ડની સંભવત આગામી ડિસેમ્બર-2020માં ચૂંટણી યોજાનાર હોય, શિક્ષણ જગતમાં અત્યારથી જ ગરમાવો આવી ગયેલ છે. આ ચૂંટણી લડવા માટે અત્યારથી જ અનેક મૂરતીયાઓ મેદાનમાં આવી ગયા છે. જો કે મુરતીયા (ઉમેદવાર) નકકી કરવા માટે વિવિધ સંઘો દ્વારા કવાયતો શરૂ કરી દેવામાં આવી છે. જેમાં અખિલ ગુજરાત રાજ્ય સંચાલક મહા મંડળ અને આચાર્ય સંઘ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવા માટે સંસદીય બોર્ડની રચના કરી દેવામાં આવી છે. અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહા મંડળ દ્વારા સંસદીય બોર્ડની કરાયેલી રચનામાં હોદેદારોમાં અધ્યક્ષ તરીકે નારણભાઇ પટેલ, મંત્રી સુરેશ પટેલ, દિલીપભાઇ ચૌધરી, સુખદેવસિંહ, કનુભાઇ સેરઠીયા નિયુક્તિ કરાયેલ છે.જ્યારે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પાર્લામેન્ટરી બોર્ડના હોદેદારોમાં જે.પી. પટેલ-પ્રમુખ, યુ.એસ. પટેલ-મહામંત્રી, ભુપેન્દ્રસિંહ ચૌહાણ, ઉપાધ્યક્ષ બી.ડી. જાડેજા, વિષ્ણુભાઇ પટેલનો સમાવેશ કરાયેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડની અગાઉ 26 સદસ્યોની ચૂંટણી થતી હતી જ્યારે હવે બોર્ડનું કદ નાનું થયેલ હોય માત્ર 9 સભ્યોની ચૂંટણી યોજાનાર હોય, રસાકસી ભર્યો જંગ ખેલાશે, સૌરાષ્ટ્રમાંથી સંચાલક મંડળની બેઠક પર ડો. પ્રિયવદન કોરાટ અને બી.એડ. કોલેજની બેઠક પર ડો. નિદીત બારોટ આ ચૂંટણી લડે તેવી શકયતા હોવાનું જાણવા મળ્યું છે. આ ચૂંટણી રસાકસીભરી બની રહેનાર છે.