અમદાવાદ- 

રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળામાં ગરીબ બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે ગરીબ બાળકોને આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવો ફરજિયાત છે. જાે કોઈ શાળા સંચાલક બાળકને પ્રવેશ આપવામાં ઇનકાર કરશે તો તે શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે તેવી તાકીદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે લૉકડાઉન જાહેર થતા ગત ફેબ્રુઆરી માસમાં અટકી પડેલી આરટીઈની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

જે પૈકી ૨૯ ઓગસ્ટ સુધીમાં આવેલા વાલીઓના ફોર્મ સ્ક્રુટીની થઈ ગયા બાદ ૧૧મી સપ્ટેમ્બરથી વાલીઓને શાળાઓ એલોટમેન્ટની પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્યમાં ૧ લાખ ૮૦ હજાર આસપાસ ઓનનલાઈન ફોર્મ ભરાયા છે. જાેકે ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં સ્કૂલ સંચાલકો આનાકાની કરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે તેવી તાકીદ પણ જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સુપરિટેડેન્ટ ભરતસિંહ ગોહિલ એ જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં ૨૩ હજાર જેટલા ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૧૬ હજાર ફોર્મ કન્ફોર્મ કર્યા છે. શાળામાં પ્રવેશ પ્રક્રિયાને લઈ શાળા એલોટમેન્ટ ૧૧મીથી શરૂ થઈ ૧૮ મી સપ્ટેમ્બર સુધી ચાલશે.