વલસાડ, જિલ્લાના વાપીમાં રાજ રાજેશ્વરી વિદ્યામંદિર ખાતે કુમાર પ્રભાતદેવજી સીસોદીયા અને મુરવાજી સાહેબની પ્રતિમાનું તેમજ વડેશ્વર-નાગેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારનું લોકાર્પણ ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં છેલ્લા કેટલાય મહિના સુધી ઓનલાઈન શિક્ષણ આપ્યા બાદ હવે કોરોનાના કેસ ગુજરાતમાં ઘટતા ધોરણ ૧૦ અને ૧૨ના શાળાકીય અભ્યાસના વર્ગો શરૂ થયા છે. ત્યારે હવે આગામી દિવસોમાં ધોરણ ૯ અને ૧૧ તે બાદ ૬-૮ અને તે બાદ ધોરણ ૧ થી ૫ના વર્ગોનો અભ્યાસ શરુ કરવામાં આવશે તેમ વાપી આવેલા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીના લોકડાઉનમાં ધંધા રોજગાર ઠપ્પ હતા, ત્યારે પણ સરકારે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તેની તકેદારી રાખી ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ રાખ્યું હતું અને તેને વાલીઓ-વિદ્યાર્થીઓ દ્વારા ભરપૂર સહયોગ મળ્યો હતો. 

વધુમાં જણાવ્યું હતું કે, ૧૧મી જાન્યુઆરીથી ગુજરાતમાં બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે શાળા અભ્યાસ શરુ કર્યો છે. જેમાં કોરોના  સંપૂર્ણ પાલન કરવામાં આવે છે અને વેકેશન બાદ શાળા ખુલે અને વિદ્યાર્થોની જે હાજરી પ્રથમ દિવસે હોય તેનાથી પણ સારી હાજરી ૧૦ મહિનાના લાંબા વેકેશન બાદ શાળામાં જાેવા મળી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામ ધોરણની પરીક્ષાને લઈને જણાવ્યું હતું કે, વાલીઓ-વિદ્યાર્થીઓને ચિંતામુક્ત રાખવા કુલ અભ્યાસક્રમમાંથી ૩૦ ટકા અભ્યાસક્રમનો ઘટાડો કર્યો છે.