ગાંધીનગર-

ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. શિક્ષણ બોર્ડે દ્વારા તમામ ડીઇઓને સૂચના આપી દેવામાં આવી છે કે ધો.૧૦ના વિદ્યાર્થીઓના એલસીમાં માસ પ્રમોશન લખાશે, પરંતુ માર્કશીટમાં માસ પ્રમોશન નહીં લખાય. એલસીમાં રિમાર્કના ખાનામાં માસ પ્રમોશન લખવાનો ર્નિણય કર્યો છે. તમને જણાવી દઈએ કે ધો.૧૦માં માસ પ્રમોશન આપ્યા બાદ માર્કશીટ કેવી રીતે તૈયાર કરવી તેની રામાયણ ઘણા દિવસોથી ચાલી રહી હતી. પરંતુ આખરે આ મુદ્દા પર નિરાકરણ આવી ગયું છે.

ધો-૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે શિક્ષણ વિભાગે વિદ્યાર્થીને માર્ક્સ આપવાની પદ્ધતિ પણ જાહેર કરવામાં આવી છે. જેના આધારે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે. આ પદ્ધતિ મુજબ બે ભાગમાં માર્ક્સ અપાશે. પ્રથમ ભાગમાં શાળાકીય આંતરિક મૂલ્યાંકન કરાશે. જે કુલ ૨૦ માર્ક્સનું હશે. તો બીજા ભાગમાં ૮૦ ગુણનું મુલ્યાંકન કરાશે.

આજથી ગુજરાતભરની શાળાઓમાં ધોરણ.૧૦ના પરિણામને લગતી મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાશે. ધો.૧૦ના વિદ્યાર્થીઓની માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં નહી આવે પરંતુ શાળા છોડ્યાના પ્રમાણપત્રમા રીમાર્કસના ખાનામાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવશે. આ અંગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે તમામ ડીઈઓને સુચના આપી છે. ૧૭ જૂન સાંજે ૫ વાગ્યા સુધી તમામ શાળાઓએ વિદ્યાર્થીઓના માર્ક અપલોડ કરી દેવાના રહેશે. પરીક્ષાર્થીઓના ગુણ, પરીક્ષાર્થીઓના નામ અને એપ્લિકેશન નંબરના આધારે તમામ વિગતો ભરવાની રહેશે. ઓનલાઇન ગુણ ભરવા માટે શાળાના ઇન્ડેક્ષ નંબર અને નોંધાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરી લોગીન કરી શકાશે.