અમદાવાદ-

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૯-૧૨ના અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. જેથી આગામી બોર્ડની પરીક્ષામાં બાદ કરાયેલા અભ્યાસક્રમમાંથી કંઈ પૂછાશે નહીં. જાે કે, આ ફેરફાર બાદ બોર્ડ દ્વારા હજી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા માટે પ્રશ્નપત્રનું પરિરૂપ અને માળખું જાહેર ના કરતાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે. અભ્યાસક્રમમાં કરવામાં આવેલા ઘટાડા બાદ કયા પ્રકરણનો કેટલો ગુણભાર રહેશે અને કેવા પ્રશ્નો પૂછાશે તે અંગેની વિગતો વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી માગ ઉઠી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના શિક્ષણમંત્રીએ હાલમાં જ બોર્ડની પરીક્ષા અંગે જાહેરાત કરી હતી. જેમાં આ વખતે બોર્ડની પરીક્ષા મે ૨૦૨૧માં લેવાશે તેમ જણાવ્યું હતું. જ્યારે ધોરણ ૯ અને ૧૧ની પરીક્ષા જૂનમાં લેવાનું આયોજન થયું હોવાની વિગતો મળી છે.

કોરોનાના કહેરના પગલે સ્કૂલો બંધ છે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવાઈ રહ્યો છે. પરિણામે શિક્ષણ વિભાગે ધોરણ ૯થી ૧૨ના અભ્યાસક્રમમાં ૩૦ ટકા ઘટાડો જાહેર કર્યો હતો. જેથી ધોરણ ૯થી ૧૨ની આગામી પરીક્ષા ઘટાડેલા અભ્યાસક્રમના આધારે લેવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા વિષય પ્રમાણે, ઘટાડેલા અભ્યાસક્રમની વિગતો જાહેર કરવામાં આવી હતી. ઉપરાંત આ વર્ષે લેવાનારી પરીક્ષા માટે હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ ૨૦ ટકાથી વધારીને ૩૦ ટકા જેટલું કરવામાં આવ્યું છે. જ્યારે ધોરણ ૧૨ માટે હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ ૫૦ ટકા જેટલું રાખવામાં આવ્યું છે. આમ બોર્ડ દ્વારા પરીક્ષાને લગતી મોટાભાગની વિગતો જાહેર કરી દેવામાં આવી છે. જાે કે, વિદ્યાર્થીઓ માટે પરીક્ષાને લગતી મહત્વની એવી પરીક્ષાનું પરિરૂપ અને માળખું જાહેર કરાયું નથી. જે વિષયમાં ૩૦ ટકા ઘટાડો કરાયો છે તેમાં અન્ય પ્રકરણનું ગુણભાર કેટલું રહેશે અને તેમાંથી કયા પ્રકારના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાશે તે અંગેની વિગતવાર માહિતી બોર્ડ દ્વારા વહેલી તકે જાહેર કરવામાં આવે તો વિદ્યાર્થીઓ અત્યારથી જ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી શકે છે. શિક્ષણમંત્રીની જાહેરાત પ્રમાણે, બોર્ડની પરીક્ષાને આડે હવે માંડ ચાર મહિનાનો સમય બાકી છે ત્યારે પ્રશ્નપત્રનું ગુણભાર અને પરિરૂપ જાહેર કરવામાં આવે તેવી માગ ઉઠી છે.