વડોદરા-

વડોદરા શહેર-જિલ્લાની અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ૮૧ શિક્ષણ સહાયકોને નિમણૂંક આપવામાં આવી છે. તે પૈકીના ૨૦ જેટલા શિક્ષણ સહાયકોને કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલના હસ્તે પ્રતિકાત્મક રીતે નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા. 

રાજ્યમાં ૨૯૩૮ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને આવકારતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગર સ્થિતથી ઓનલાઈન સંબોધન કરતા જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં શિક્ષક-ગુરૂ ખૂબ ઉચ્ચ સ્થાન ધરાવે છે. વિદ્યાર્થીઓના ચરિત્ર ઘડતર અને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકોની મહત્વની ભૂમિકા રહેલી છે. ત્યારે સમગ્ર વિશ્વના પડકારો ઝિલતી થાય તેવી નવી પેઢી શિક્ષકોએ તૈયાર કરવાની છે. સાથે જ તેમણે રાજ્ય સરકારે કોરોનાના કપરાકાળમાં ટૂંક સમયમાં પારદર્શક રીતે ભરતી કરી હોવાનુ ઉમેર્યું હતું. કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે નવનિયુક્ત શિક્ષણ સહાયકોને સંબોધતા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે, સમાજ –દેશના વિકાસ માટે શિક્ષણ સર્વોપરી છે. સમાજમાં શિક્ષકને એક આદર્શની સાથે શ્રદ્ધા અને સન્માનના ભાવથી જોવામાં આવે છે. ત્યારે નવી પેઢી તૈયાર કરવાની બહુ મોટી જવાબદારી તમારા શિરે છે. સાથે દરેક શિક્ષણ સહાયકો પોતાની ફરજ ખૂબ સારી રીતે નિભાવે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.