વડોદરા-

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની પ્રાથમિક શાળાઓના ૫ શિક્ષકો કોરોના સંક્રમિત થતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા તાત્કાલિક સરકારની ગાઈડલાઇનનો ચુસ્તપણે પાલન કરાવી દરેક વિદ્યાર્થીઓની ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચર માપી અને સેનિટાઈઝ કર્યા પછી શાળામાં પ્રવેશ અપાય છે. પાદરાના છેવાડાના ગામોમાં પણ કોરોનાએ પ્રવેશ કરતા શિક્ષકો વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. વિવિધ ગામોમાં પણ કોરોનાએ માથું ઊંચકતા લોકો ભયભીત બની ગયા છે. છતાં સરકારની ગાઈડલાઈન મુજબ નિરાશ કસોટી પરીક્ષા તેમ જ શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ તાલુકા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. ત્યારે વહીવટી તંત્ર કોઈ અસરકારક કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

પાદરાના છેવાડા ગામ વડદલાની પ્રાથમિક શાળામાં કુલ ૨ શિક્ષક ૫૫ વિદ્યાર્થીઓ છે. કુરાલ પ્રાથમિક શાળામાં ૧૯ શિક્ષક ૨૯૮ વિદ્યાર્થીઓ છે. ધોરીવગાં પ્રાથમિક શાળામાં ૧૧ શિક્ષક ૩૨૨ વિદ્યાર્થીઓ છે. જેસીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળામાં ૧૨ શિક્ષક ૩૨૨ વિદ્યાર્થીઓ છે. આમ કુલ ૩૫ શિક્ષકોમાંથી ૫ શિક્ષકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દરેક પ્રાથમિક શાળામાં સેનિટાઈઝિંગ કરવામાં આવ્યું હતું. ૧૫ માર્ચથી પરીક્ષાઓ શરૂ થતી હોવાથી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી નથી, પરંતુ અન્ય શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. હવે ૧૦૪૪ વિદ્યાર્થીઓ તેમજ પ્રાથમિક પ્રાથમિક શાળાના ૨૦૧૮ વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે.