રાજકોટ-

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્ય સરકારે બે દાયકામાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનો કાયાકલ્પ કર્યો છે. સમગ્ર ભારતમાં ગુજરાત એજ્યુકેશનલ હબ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે. સ્વામી વિવેકાનંદજીએ પશ્ચિમમાં જઈને સમગ્ર વિશ્વને ભારતીય જીવન દ્રષ્ટિથી પરિચિત કરાવ્યા હતા. સમગ્ર વિશ્વને વસુધૈવ કુટુંબકમની પ્રેરણા આપી હતી. દેશના યુવાનો માટે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન બહુ મોટો અવસર છે. પોતાની શક્તિ-સામર્થ્ય ભારતને મહાસત્તા બનાવવાની દિશામાં તેઓ બહુ મોટો ફાળો આપી શકે છે. ભલે દોઢસો વર્ષ વીતી ગયાં હોય પરંતુ આજે પણ સ્વામી વિવેકાનંદ યુવાનોના રોલ મોડલ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૩૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પરથી સંબોધતા જણાવ્યું હતું કે યુવાઓના સામર્થ્ય થકી નયા ભારતનું નિર્માણ થવાનું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ અભિયાનમાં આત્મનિર્ભર ગુજરાત અગ્રેસર રહેશે અને તેના કેન્દ્રમાં ગુજરાતના યુવાઓની નવી ચેતના નવી ઊર્જા અને સાહસિકતા હશે. 

સ્વામી વિવેકાનંદને પશ્ચિમને ભારતની વિરાટ સંસ્કૃતિના દર્શન કરાવવાની પ્રેરણા સૌરાષ્ટ્રમાંથી મળી હતી એવું સગૌરવ જણાવતા મુખ્યમંત્રીએ યુવાઓને સ્કીલ ડેવલોપમેન્ટ અને નવી ટેક્નોલોજીનો સમન્વય કરી સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને દેશના યુવાધનનાસહારે ભારત વિશ્વની મહાસત્તા બને અને તેમાં ગુજરાતના યુવાનોની ભૂમિકા અગ્રેસર રહે તેવુ આહવાન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના મુજબના નયા ભારતના નિર્માણમાં લાગી જવા સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી. ગુજરાતના યુવાનો જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર બને તે માટે રાજ્ય સરકારે યુવાનોમાં ઔદ્યોગિક સાહસિકતાનું નિર્માણ થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે તેની વિગતો આપીને મુખ્યમંત્રીએ મીઠાની નિકાસ, સોલાર એનર્જી, ઓટો મોબાઇલ, ફાર્મા સેકટર, રોજગારી, ખેતી ક્ષેત્રે વિકાસ, મેડિકલ ટુરિઝમ અને નવી સિદ્ધિઓમાં યુવા સાહસિકો અને યુવા વૈજ્ઞાનિકો સિદ્ધિઓને બિરદાવી હતી. કોરોનાની વેક્સિના નિર્માણમાં ભારતને વૈશ્વિક સિધ્ધી બદલ યુવા સંશોધકોને અભીનંદન આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વધુ નવી સિધ્ધીઓ હાંસલ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.