ભાવનગર-

ભાવનગર શહેરની માજીરાજબા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ૬૬ શિક્ષણ સહાયકોને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમના હસ્તે નિમણૂક હુકમપત્રો એનાયત કરવાના કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમા શિક્ષણ ગુણવત્તાયુક્ત બને તે સરકારનો એકમાત્ર ઉદ્દેશ છે. જે માટે શ્રીનરેન્દ્રભાઇ મોદી, શ્રીમતી આનંદીબેન પટેલ થી લઇ હાલના મુખ્યમંત્રી  વિજય રૂપાણી પણ સતત પ્રયત્નશીલ રહ્યા છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે આપણે સૌ સાથે મળી પ્રયત્ન કરીશું તો ચોક્કસ પરિણામ મળશે.શિક્ષકનું સમાજમાં અનેરું મહત્વ છે તેમ જણાવી મંત્રીએ ઉમેર્યું હતું કે સમાજમા ચરિત્ર નિર્માણ કે વ્યક્તિ નિર્માણની જવાબદારી એકમાત્ર શિક્ષકોના શીરે છે.આદર્શ વ્યક્તિ નિર્માણ દ્વારા શિક્ષક આદર્શ દેશનું નિર્માણ કરે છે.મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના યુવાનની ચિંતા કરી અને મેક ઇન ઇન્ડિયા, ડીજીટલ ઇન્ડિયા, સ્કીલ ડેવલોપમેન્ટ, સ્ટાર્ટઅપ, સ્ટેન્ડઅપ વગેરે જેવા સૂત્ર આપી યુવાન આત્મનિર્ભર બને તે દિશામાં અનેક પગલાઓ લીધા. આ પ્રસંગે યુવાનોને સંબોધિત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ અને સ્ટેન્ડઅપના સુત્રને અનુસરી યુવાનો આગળ આવે અને નવીન શોધ-સંશોધનો થકી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે અને ઉપસ્થિત શિક્ષકોને જણાવ્યું હતું કે તેઓ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અંતર્ગત વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા બહાર લાવવા શક્ય એટલા તમામ પ્રયત્ન કરી વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે.શિક્ષકની જવાબદારી ખુબ પવિત્ર અને એશ્વર્યવાન છે તેમ જણાવી મંત્રીએ ઉમેર્યું હતું કે આ જવાબદારી થકી શિક્ષકો સેંકડો ડોક્ટર, એન્જિનિયર અને વૈજ્ઞાનિકો ઉભા કરી શકે છે. શિક્ષણનો વ્યવસાયએ અર્થ ઉપાર્જનનો નથી પરંતુ લોકસેવાનો પવિત્ર વ્યવસાય છે અને તેથી જ શિક્ષક એ હંમેશા આદર્શ હોય છે.