ગાંધીનગર-

આગામી ૧૫ જુલાઈથી શરૂ થનારી ધો.૧૦ અને ૧૨ની રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષાર્થી પર સીસીટીવીથી નજર રખાશે. તેના માટે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી ચાલુ હોવા અંગેનો અહેવાલ મોકલવા આદેશ કર્યો છે.

જે સ્કૂલોને પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે ત્યાં કેમેરાની વ્યવસ્થા છે કે કેમ તેની ચકાસણી કરી બોર્ડને અહેવાલ સુપરત કરાશે. આ ઉપરાંત બોર્ડ દ્વારા સીસીટીવી કેમેરા અંગેની માર્ગદર્શક સુચનાઓ પણ ડીઈઓને મોકલી આપી છે. કેમેરામાં વિડીયોની સાથે ઓડીયો રેકોર્ડીંગની પણ સુવિધા હોવી જાેઈએ તે માટે પણ બોર્ડ દ્વારા જણાવાયું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાને લઈ જિલ્લાની સીડી વ્યુઈંગ તેમજ કોપી કેસ તૈયાર કરવા અંગેની કામગીરી વધારે સારી રીતે કરવા માટે તાકીદ કરી છે.આગામી જુલાઈ ૨૦૨૧માં લેવાનારી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના ખાનગી, રિપીટર અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા દરમિયાન સીસીટીવી કવરેજ અસરકારક રીતે કરવા માટે બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીઓને સુચના આપી છે. જે સ્કુલોને છેલ્લા ૩ વર્ષ દરમિયાન મંજુરી મળી હોય અને તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યો હોય તો તેવી શાળાની નોંધણીની શરત મુજબ સીસીટીવીની વ્યવસ્થા ફરજિયાત હોવી જરૂરી છે.

તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીના ઈન્સ્ટોલેશનથી સજ્જ હોય, સીસીટીવી કેમેરા કાર્યરત હોય તેમજ સીસીટીવીમાં ઓડીયો રેકોર્ડીંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે અને ફુટેજની ડીવીડીમાં ઓડીયો વિડીયો રેકોર્ડીંગ તૈયાર કરીને મોકલવા માટે સુચના અપાઈ છે. વધુમાં તમામ વર્ગખંડમાં સીસીટીવી કેમેરા મુકાય તે ઉપરાંત બિલ્ડીંગ કંડકટરની રૂમમાં પણ સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં રાખવા માટે બોર્ડ દ્વારા તાકીદ કરાઈ છે. જિલ્લાના તમામ જુના અને નવા પરીક્ષા કેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરા ચાલુ હોવા અંગેનો અહેવાલ તાત્કાલીક મોકલવા માટે બોર્ડ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.