રાજકોટ-

કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાતમાં આગામી ૨૩મીથી ધો.૯ થી ૧૨ની સ્કૂલો શરૂ કરવા કવાયત ચાલુ થઇ ગઇ છે ત્યારે સરકારની માર્ગદર્શિકા મુજબ ૧૨ વિદ્યાર્થીઓના વર્ગની નીતિથી જાે સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે તો દરેક શિક્ષકને તેમના વિષયના દરેક ચેપ્ટરના ઓછામાં ઓછા ૩ થી ૫ પિરિયડ લેવા પડશે. આ ઉપરાંત ૩૫ ટકા વિદ્યાર્થીઓ જાે સ્કૂલે આવવા સંમતિ અને બાહેંધરીપત્રક ભરશે તો જ સ્કૂલોમાં ઓફલાઇન એજ્યુકેશન શરૂ કરાશે તેવો ર્નિણય રાજકોટ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશને લીધો છે. રાજકોટ શહેરમાં આગામી ૨૩મીથી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો શરૂ કરવા તૈયારીનો ધમધમાટ અત્યારથી જ શરૂ થઇ ગયો છે જેમાં સૌથી અગત્યની વાત એ છે કે કેન્દ્ર સરકારની એસઓપી મુજબ એક વર્ગખંડમાં ૧૨ થી ૨૨ જેટલા જ વિદ્યાર્થીઓ બેસાડી શકાશે. ત્યારે શિક્ષકોનું શેડ્યૂલ કેવી રીતે ગોઠવાશે, સિલેબસ કેવી રીતે પૂરો થશે, ઓફલાઇન એજ્યુકેશન અને ઓનલાઇન એજ્યુકેશન વચ્ચે તાળામેળ કેવી રીતે જળવાશે સહિતના સવાલો વાલીઓના મનમાં ઉઠે તે સ્વબાવિક છે.

રાજકોટ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ જતીનભાઇ ભરાડે જણાવ્યું હતું કે હાલના સંજાેગોમાં ઓડ-ઇવન પધ્ધતિથી સ્કૂલો શરૂ કરવા ર્નિણય કર્યો છે. સરકારે ૩ દિવસ ધો.૯ અને ૧૧ના તથા ત્રણ દિવસ ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને બોલાવવા સૂચન કર્યું છે તેના બદલે રાજકોટ શહેરમાં ધો.૯ થી ૧૨ના તમામ વર્ગો છએ છ દિવસ ચાલુ રાખવાનું અને ઓડ-ઇવન પધ્ધતિથી વિદ્યાર્થીઓને બોલાવવાનું નક્કી કર્યું છે. એટલે કે ધો.૯ થી ૧૨ના ૫૦ ટકા વિદ્યાર્થીઓને સોમ-બુધ-શુક્રવારના રોજ અને બાકીના ૫૦ ટકાને મંગળ-ગુરૂ-શનિવારના રોજ બોલાવવામાં આવશે. ઉપરાંત બે થી અઢી કલાક ઓનલાઇન એજ્યુકેશન ચાલુ રાખવા હાલના તબક્કે ર્નિણય કરાયો છે. સરકારની સૂચના મુજબ નાના વર્ગખંડમાં૧૨ થી ૧૫ વિદ્યાર્થીઓ અને મોટા વર્ગખંડમાં વધુમાં વધુ ૨૨ વિદ્યાર્થીઓ બેસાડી શકાશે. જ્યારે સ્કૂલોમાં એક વર્ગમાં ૪૦ થી ૬૦ જેટલા વિદ્યાર્થીઓ હોય છે તેથી ૪૦ વિદ્યાર્થીઓ હોય તેવા વર્ગના વિદ્યાર્થીઓને ઓડ-ઇવન પધ્ધતિથી બોલાવવામાં આવે તો બે દિવસના એક વિષયના એક ચેપ્ટરના બે પિરિયડ અને એક પિરિયડ ઓનલાઇન શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે લેવો પડશે. મોટી સંખ્યા ધરાવતી સ્કૂલો બે શિફટમાં ઓડ-ઇવન પધ્ધતિથી ચલાવવામાં આવે તો ચાર શિફટના ચાર પિરિયડ અને એક પિરિયડ ઓનલાઇન શિક્ષણનો ગણી પાંચ પિરિયડ એક ચેપ્ટરના શિક્ષકોએ ભણાવવા પડશે.