નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટે ધોરણ ૧૨ની બોર્ડની પરિક્ષા માટે સીબીએસઇના જે ફોર્મ્યુલાને મંજૂરી આપી હતી તેને ૧૧૫૨ વિદ્યાર્થીઓએ પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં સીબીએસઈના અગિયારસો જેટલા વિદ્યાર્થીઓએ અરજી કરી છે. જેમાં તેમને CBSEના ફોર્મ્યુલા પર સવાલો કર્યા છે તેમજ કેટલાક સૂચનો પણ આપ્યા છે. દેશભરના સાડા અગિયારસોથી વધુ વિદ્યાર્થીઓએ એડવોકેટ મનુ જેટલી દ્વારા દાખલ કરેલી અરજીમાં કંપાર્ટમેન્ટ, છેલ્લા ઘણા વર્ષોથી પાસ થવાની આશામાં પરીક્ષા આપનારા લોકો, પત્રવ્યવહાર દ્વારા 12માં અભ્યાસ કરનારા, ડ્રોપ આઉટ, ખાનગી વિદ્યાર્થીઓએ માટે પણ નિતી બનાવવા માંગ કરી છે. 

પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો વગેરેની સ્વાસ્થ્ય સુરક્ષા સહિતની તમામ જરૂરી વ્યવસ્થા કરવાના મુદ્દાને પણ આ રજૂઆતમાં પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. 3 જૂને સુપ્રીમ કોર્ટે સીબીએસઇને ધોરણ 12ની પરીક્ષાને લગતી યોજના તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું હતું. બોર્ડે 17 જૂને કોર્ટને પોતાનું ફોર્મ્યુલા આપ્યું હતું, જેને કોર્ટે સ્વીકાર્યું અને તેને રેકોર્ડ પર લઈ લીધું. પરંતુ અરજદાર વિદ્યાર્થીઓનું કહેવું છે કે,નવી યોજના આ વર્ગના વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓ માટે ઉદાસીન છે. આ બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારમાં સમાનતાના અધિકારની કલમ 14 નું ઉલ્લંઘન છે.

ફેબ્રુઆરીમાં બોર્ડના પરિપત્ર મુજબ કંપાર્ટમેન્ટ, રિપિટર, ખાનગી, પત્રવ્યવહાર અભ્યાસક્રમો વગેરેના ઉમેદવારો માટે પ્રાયોગિક, પ્રોજેક્ટ, ઇન્ટરનલ અસેસમેંટ વગેરે અલગ અલગ સંચાલન કરવાને બદલે રેગ્યુલર વિદ્યાર્થીઓ સાથે જ લેવામાં આવે. વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે, આ વર્ગના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ પણ કોર્ટ દ્વારા મંગાવવામાં આવે અને તેમને પણ વ્યવહારિક રાહત આપવામાં આવે.

આ સાથે, દસમા અને બારમાની કંપાર્ટમેન્ટની પરીક્ષાઓ રદ કરવાની માંગ કરવામાં આવી છે. અરજદારોએ સીબીએસઇ બોર્ડને રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે CBSE અને અન્ય શિક્ષણ બોર્ડ દ્વારા અપનાવેલી મૂલ્યાંકન નિતીની સાથે 12મા ધોરણના ખાનગી, કંપાર્ટમેન્ટ, રિપીટર વિદ્યાર્થીઓના પ્રદર્શન મૂલ્યાંકન માટે એક નિતી પર આવવા અને સમય મર્યાદામાં પરિણામ જાહેર કરવા નિર્દેશ આપવામાં આવે તેવી વિંનતી કરી છે.