સુરત-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સુરત શહેરમાં રાજકીય માહોલમાં ભારે ગરમાટો જોવા મળી રહ્યો છે. ત્યારે, સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં શિક્ષિત યુવા બેરોજગારના બેનર તળે ગત દિવસોમાં પત્રકાર પરિષદનું આયોજન કરી ચૂંટણીનો બહિષ્કારનું એલાન કરનાર સંગઠન દ્વારા ભરતી નહિ તો મત નહિના સૂત્ર સાથેના બેનરો લગાડવામાં આવ્યા છે.ખાસ કરીને સુરતના બહુમત સૌરાષ્ટ્રીયન વિસ્તારોમાં ચાર રસ્તા,સોસાયટીઓ દરેક જગ્યાએ આ પ્રકારના બેનરો લગાડવામાં આવ્યા છે.આ સંગઠને તેના બેનરમાં લખ્યું છે કે ના તો હું ગુલામ છું ના તો હું ચોકીદાર છું..હું તો ગુજરાતનો શિક્ષિત બેરોજગાર છું.તેમજ આ બેનરોમાં બિનસચિવલય સહિત ની પરીક્ષાની તારીખો જાહેર કરો, LRD મેલ તથા SRPF ના વિદ્યાર્થીઓને નિમણુંક આપો, ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ પર કરેલા કેસ પરત ખેંચો..30 લાખ શિક્ષિત બેરોજગારોનો જવાબદાર કોણ ..?સહિતની માંગો કરી છે અને લખ્યું છે કે ભરતી નહીં તો મત પણ નહીં..

શિક્ષિત યુવા બેરોજગાર સંગઠનના અગ્રણી ચિંતન સંઘાણીએ હિંદુસ્થાન સમાચારના સંવાદદાતાને જણાવ્યું હતું કે સમગ્ર વરાછાના વિવિધ વિસ્તારોમાં અમારા વિરોધાત્મક બેનરો લગાડવાનું કાર્ય અમારી ટીમ દ્વારા સતત થઇ રહ્યું છે. આજે રાત્રીના અમારી ટીમ વેલંજા, મગોબ, પુણા સહિતના વિસ્તારોમાં બેનરો લગાડશે.અમે બીજેપી અને કોંગ્રેસના ઉમેદવારોની સોસાયટીઓ અને કાર્યાલયો પાસે પણ અમારા બેનરો બંધાય છે. દુઃખ સાથે કહેવું પડે છે કે અમુક સ્થાનો પરથી બીજેપીના ઉમેદવારોએ અમારા બેનરો ઉતારી લીધા છે. આમારી ન્યાયિક માંગ માટે અમારી આ લડત ચાલુ રહેશે.હવે, અમે ઘરે ઘરે અમારા વિરોધની અને યુવાનોને મતદાનથી વેગળા રહેવાની અપીલ સાથેની પત્રિકાઓ પહોંચાડવાની છીએ.જેની અસર દરેક પક્ષોને પડવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ લડતને પાટીદાર અનામત આંદોલન સમિતિએ સમર્થન આપ્યું છે ત્યારે, આ લડત આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તો નવાઈ નહીં...