સુરત-

હીરાઉદ્યોગ માટે નાતાલ ફળદાયી રહી હતી. ક્રિસમસ નિમિતે વિશ્વભરના બજારોમાંથી પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ રહેતા તૈયાર હીરાની નિકાસ ડિસેમ્બર માસમાં ઉંચી ગઈ હતી. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા ડિસેમ્બર ૨૦૨૦માં નોંધાયેલી આયાત-નિકાસના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ડિસેમ્બર ૨૦૨૦માં રૂપિયા ૧૨૬૭૨.૭૧ કરોડની કિંમતના ૨૧.૮૨ લાખ કેરેટ તૈયાર હીરાની નિકાસ થઈ હતી. જે ડિસેમ્બર ૨૦૧૯માં નોંધાયેલી રૂપિયા ૮૯૨૫.૨૪ કરોડની કિંમતના ૧૭.૦૧ લાખ કેરેટ ડાયમંડ કરતા ૪૧.૯૯ ટકા ઉંચે રહી હતી.

ચાલું નાણાકીય વર્ષ દરમિયાન કોરોના તથા લોકડાઉનનને કારણે પ્રારંભિક સમયગાળામાં નિકાસ તળીયે રહી હતી. જેની અસરે એપ્રિલ-ડિસેમ્બર ૨૦૨૦ના અરસામાં તૈયાર હીરાની કુલ નિકાસ ગત વર્ષના આ સમયગાળાની સરખામણીએ ૨૩.૩૮ ટકા નીચી રહી છે. ભારતીય હીરાઉધોગ રો-મટિરિયલ્સ એવા રફ ડાયમંડની આયાત માટે વિદેશ પર ર્નિભર રહે છે.

ડિસેમ્બર ૨૦૨૦માં રફ ડાયમંડની આયાતમાં પણ વધારો નોંધાયો હતો. જીજેઈપીસીના આંકડાઓ મુજબ, ડિસેમ્બર ૨૦૨૦માં રૂપિયા ૧૨૯૩૦ કરોડની કિંમતના રફ ડાયમંડની આયાત થઈ હતી. જે ડિસેમ્બર ૨૦૧૯માં થયેલી રૂપિયા ૧૧૪૨૧.૨૮ કરોડની કિંમતના રફ ડાયમંડની આયાતની સરખામણીએ ૧૩.૨૨ ટકા વધુ રહી હતી.

ડિસેમ્બર ૨૦૨૦માં તૈયાર લેબગ્રોન ડાયમંડની નિકાસ ૭૯.૪૦ ટકા ઉંચી રહી છે. ડિસેમ્બર ૨૦૨૦માં રૂપિયા ૪૫૯.૩૭ કરોડની કિંમતના તૈયાર લેબગ્રોનની નિકાસ થઈ હતી. એપ્રિલ ડિસેમ્બર ૨૦૨૦ના અરસામાં તૈયાર લેબગ્રોનની નિકાસમાં કુલ ૬૩.૫૨ ટકાનો વધારો થયો છે. ડિસેમ્બર ૨૦૨૦માં લેબગ્રોનની રફ આયાતમાં પણ ૪૬.૨૫ ટકાનો વધારો થયો છે. ડિસેમ્બર ૨૦૨૦માં રૂપિયા ૪૭૫.૮૦ કરોડની કિંમતના રફ ડાયમંડની આયાત થઈ હતી.