વડોદરા : સયાજી હોસ્પિટલમાં નવ માસના બાળકના ગળામાં સફાઈ ગયેલા સીતાફળનો ઠળિયાને સફળ શસ્ત્રક્રિયા વડે બહાર કાઢી ઈએનટી વિભાગના તબીબી ટીમે બાળકને નવજીવન બક્ષ્યું હતું. આ શસ્તક્રિયા ઈએનટી વિભાગના વડા અને ઈન્ચાર્જ સુપ્રિ. ડો. રંજન ઐયરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. 

આ સમગ્ર બનાવની વિગત એવી છે કે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કોયલી ગામે રહેતા રાઠવા દંપતીનો નવ માસનો માસૂમ સાર્થક રાઠવા માતા-પિતાની જાણ બહાર સીતાફળનો ઠળિયો ગળી ગયો હતો, જે શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો. જેથી બાળકને શ્વાસ લેવાની તકલીફ થતાં તે રોકકડ કરી રહ્યો હતો. આ સાથે તેનું શરીર પણ ગરમ અને અસહ્ય ખાંસી શરૂ થઈ હતી. જેથી સાર્થકના વાલી તેને સારવાર માટે હાલોલ ખાતેની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી શહેરની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. આ માસૂમને હોસ્પિટલના પીડિયાટ્રીક બાળકોના વોર્ડમાં દાખલ કરાયો હતો. વિભાગના વડા ડો. શીલા ઐયરના માર્ગદર્શન હેઠળ તેની પ્રાથમિક તપાસમાં તબીબે માસૂમને ફેફસાંનું ઈન્ફેકશન અને હૃદયમાં વેન્ટ્રીકયુલર સેપ્ટલ ડીકુકેટ (વીએસડી) હોવાનું જણાઈ આવ્યું હતું. તદ્‌ઉપરાંત ઓક્સિજનનું પ્રમાણ પણ ઓછું થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું.

માસૂમની કન્ડિશન ક્રિટિકલ બનતાં ઈએનટી (કાન, નાક અને ગળાના)માં રિફર કરાયો હતો, જ્યાં ઈએનટી વિભાગના વડા અને હોસ્પિટલના સુપ્રિ. ડો. રંજન ઐયરના માર્ગદર્શન હેઠળ નિષ્ણાત તબીબ બાળદર્દી સાર્થક રાઠવાની તપાસ હાથ ધરી હતી. જેમાં તેની શ્વાસનળીમાં કોઈ કઠણ પદાર્થ ફસાયો હોવાની શંકા ગઈ હતી. જેથી માસૂમનું સીટીસ્ક્રેન કરાવવામાં આવતાં જેમાં ડાબી બાજુની શ્વાસનળીમાં સીતાફળનો ઠળિયો ફસાઈ ગયો હોવાનું નિદાન આવ્યું હતું.

ત્યાર બાદ બાળદર્દી સાર્થક રાઠવાની તકલીફ દૂર કરવા ડો. રંજન ઐયરના માર્ગદર્શન અને સલાહ-સૂચનના આધારે ડો. જયમન રાવલ અને તેમની ટીમે આ બાળદર્દીના શ્વાસનળીમાં ફસાયેલો ઠળિયો બહાર કાઢવાની શસ્ત્રક્રિયા હાથ ધરી હતી જે સફળતાપૂર્વક શસ્ત્રક્રિયા કરી બાળક સાર્થક રાઠવાના ગળામાં ફસાયેલ સીતાફળના ઠળિયાને બહાર કાઢી લીધો હતો અને નવજીવન બક્ષ્યું હતું. હાલ આ બાળદર્દીની હાલત સુધાર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. નોંધનિય છે કે, ગામડામાં હાલ સીતાફળ લુમેઝુમે ઉતરી રહ્યા છે ત્યારે રમજા બાળક સીતાફળના બી ગળી જાય તેવા બનાવો વધતા હોય છે.