નડિયાદ : ખેડા જિલ્લામાં ૪૬ જેટલાં એચટાટ આચાર્યોને બાળકોની સંખ્યાના ચક્કરમાં ફસાવીને અન્ય શાળામાં તેમજ સીઆરસી તરીકે બદલીઓ કરી નાખીને નિયમોનો છડેચોક ભંગ કરવામાં આવ્યો હતો. હાલમાં વધ પડેલાં એચટાટ આચાર્યો અન્ય તાલુકામાં ફરજ બજવવા મજબૂર બન્યાં છે, જ્યારે ૪૬ જેટલાંને જિલ્લામાં જગ્યા ન હોવાથી લટકતી તલવાર હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. તેમછતાં બધા નિયમો અને પરિપત્રોને કોરાણે મૂકીને પ્રાથમિક શિક્ષણ નિયામકના ખાનગી આદેશને પગલે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પંચમહાલ જિલ્લામાંથી એક એચટાટ આચાર્ય બહેનને ઠાસરા તાલુકાની એક શાળામાં બાળકોની સંખ્યા ગોઠવીને બદલી કરી આપી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.  

બીજી તરફ આ બદલી કોઈ સ્પેશિયલ કેસમાં કરવામાં આવી હોવાનું જણાવીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિયામક તરફ આંગળીઓ ઊઠાવી રહ્યાં છે, જ્યારે ભાજપની સરકારમાં નિયામકને અભય વચન આપવામાં આવ્યું હોય તેમ તેઓ કોઈપણ મનફાવે તેવો ર્નિણય લઈ રહ્યાં હોવાનું જાેવાં મળી રહ્યું છે. ખેડા જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી એચટાટ આચાર્યોને પોતાની શાળા છોડીને અન્ય તાલુકાની શાળામાં જવાનો વાતો આવ્યો છે, જ્યારે કેટલાકને જબરજસ્તીથી સીઆરસી બનાવી દેવામાં આવ્યા છે. જિલ્લામાં હજી ૪૬ આચર્યો માટે કોઈ શાળામાં જગ્યા નથી ત્યારે અન્ય જિલ્લામાંથી આચાર્યને હાજર કરી દેવા પાછળ કયા અધિકારી કે નેતાનો દોરી સંચાર છે? તેવાં સવાલો ઊઠી રહ્યાં છે. 

ઠાસરા તાલુકાની ખાલી જગ્યામાં સ્થાનિક આચાર્યને કેમ લાભ નહિ?

એચટાટ આચર્યોને છેલ્લા કેટલાંક સમયથી બાળકોની સંખ્યાનું કારણ આગળ કરીને પજવવામાં આવી રહ્યાં છે, જ્યારે બીજી બાજુ નેતા કે અધિકારીઓના નજીકના આચર્યોને ખેડા જિલ્લામાં જગ્યા કરીને મૂકવામાં આવી રહ્યાં છે. જેને પગલે સ્થાનિક આચર્યોને ભારે અન્યાય થયાંની લાગણી સાથે મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની શંકાઓ ઊઠી રહી છે.

નિયામકની સૂચના હોવાથી ઠાસરા તાલુકામાં પંચમહાલથી આવેલાં આચાર્ય બહેનને મૂકવામાં આવ્યા છે ઃ ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

ખેડા જિલ્લામાં એચટાટ આચર્યો માટે શાળાઓમાં જગ્યા ના હોવાને કારણે અગાઉ અન્ય જિલ્લામાંથી હજાર કરવા માટેની ભલામણનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમછતાં તાજેતરમાં નવાં આવેલાં જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, નિયામકની સૂચના અને હુકમ હોવાને કારણે પંચમહાલથી ઠાસરાના મીઠાપૂરા શાળામાં હાજર કરવામાં આવ્યા છે. કોઈ નિયમ કે કોઈ બાબતની જાણકારી આપવાને બદલે નિયામકની સૂચના હોય તો હાજર કરવા જ પડેને એવો જવાબ આપીને શિક્ષણાધિકારી પણ લાચારી દાખવી રહ્યાં હતાં.