લોકસત્તા ડેસ્ક

સુશાંત સિંહ રાજપૂતના મોતને ચાર મહિના થઈ ગયા છે. સુશાંત ડેથ કેસની તપાસ CBI હસ્તક છે. સુશાંતના ચાહકો તથા પરિવાર ન્યાયની આશા રાખી રહ્યા છે. આ દરમિયાન મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે CBIએ તપાસ પૂરી કરી દીધી છે અને તે ટૂંક સમયમાં કોર્ટમાં પોતાનો રિપોર્ટ સબમિટ કરશે. ઉલ્લેખનીય છે કે દેશની ત્રણ ટોચની એજન્સીઓએ (CBI, ED તથા NCB) આ કેસની તપાસ કરી છે. નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

એક અહેવાલ પ્રમાણે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનએ પોતાની તપાસ પૂરી કરી લીધી છે અને તેને સુશાંત કેસમાં કોઈ જ ફાઉલ પ્લેની આશંકા નથી. CBI ટૂંક સમયમાં ક્લોઝર રિપોર્ટ કોર્ટમાં સબમિટ કરશે. ત્યારબાદ કોર્ટ નક્કી કરશે કે આ કેસમાં હવે આગળ શું થઈ શકે.

AIIMSએ હત્યાની થિયરી નકારી હતી અને કહ્યું હતું કે આ આત્મહત્યાનો કેસ છે. ત્યારબાદ આ કેસમાં CBIને હત્યા સાથે જોડાયેલા એક પણ પુરાવા મળ્યા નહોતા, ઘરમાં કોઈએ ઝપાઝપી કરી હોય અથવા જબરજસ્તી ઘુસવાનો પ્રયાસ કર્યો હોય તેવા કોઈ પુરાવા મળ્યા નહોતા. હત્યા સાથે જોડાયેલા અન્ય પુરાવા પણ મળ્યા નહોતા. ત્યારબાદ મર્ડર થિયરી પૂરી રીતે ફેલ થઈ હતી.

બીજી બાજુ સુશાંતના બેંક ખાતાના ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં પણ કોઈ જ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યું નથી. અહેવાલ પ્રમાણે, સુશાંતના તમામ બેંક ખાતામાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન 70 કરોડ રૂપિયાની લેવડ-દેવડ થઈ હતી, જેમાંથી માત્ર 55 લાખ રૂપિયા રિયા ચક્રવર્તી પાછળ ખર્ચ કરવામાં આવ્યા હતા. સુશાંતે મોટાભાગે પ્રવાસ, સ્પા તથા ગિફ્ટ ખરીદવા માટે પૈસા ખર્ચ કર્યા હતા.