બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ આ કેસમાં મુંબઈ પોલીસ તરફથી તેમને સહયોગ નહીં મળી રહ્યો હોવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે મુંબઈ પોલીસ તેમને સુશાંતના મોતના કેસના કોઈપણ દસ્તાવેજો, પોસ્ટમોર્ટમ રીપોર્ટ, સીસીટીવી ફૂટેજ કશું જ આપી નથી રહી. વધુમાં તેમણે રિયા ચક્રવર્તીને પણ સામે આવવા અપીલ કરી હતી. સુશાંતના કેસમાં મુંબઈ પોલીસની તપાસ ચાલી રહી છે ત્યારે બિહાર પોલીસ પણ આ કેસની તપાસ કરી રહી છે. બિહાર પોલીસની તપાસ હજી પ્રાથમિક તબક્કામાં છે. જોકે, બિહાર પોલીસની ટીમે સુશાંતની મોતની તપાસમાં હવે તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનની મોતની પણ તપાસ શરૂ કરી છે. આ સંદર્ભમાં બિહાર પોલીસની ટીમ માલવણી પોલીસ સ્ટેશને પહોંચી હતી. 

શરૂઆતમાં માલવાણી પોલીસ સ્ટેશનના અધિકારીએ દિશાની અપ્રાકૃતિક મોત સંબંધિત બધી જ માહિતી અને દસ્તાવેજો આપવાની વાત કરી, પરંતુ તે જ સમયે એક કોલ આવ્યા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. તેમણે બિહાર પોલીસની ટીમને જણાવ્યું કે દિશાની વિગતોવાળું ફોલ્ડર અચાનક અજાણતામાં ડીલીટ થઈ ગયું છે અને હવે તેઓ તેને શોધી શકે તેમ નથી. બિહાર પોલીસે કહ્યું કે તેઓ આ ફાઈલો ફરીથી મેળવવામાં તેમની મદદ કરી શકે છે, તો મુંબઈ પોલીસે તેમનું લેપટોપ તેમને આપવાનો ઈનકાર કરી દીધો. ઉલટાનું તેમણે બિહાર પોલીસના અિધકારીઓને પેઈડ લીવનો આનંદ લેવા અને આ કેસની તપાસ નહીં કરવાની સલાહ આપી. તેમણે કહ્યું આ કેસમાં નેતાઓ અંદરો અંદર લડી રહ્યા છે.