મુંબઇ- 

ટીવીનો લોકપ્રિય ગેમ રિયાલિટી શો 'બિગ બોસ 14' ત્રણ ઓક્ટોબરના રોજ શરૂ થવાનો છે. શોના પહેલા દિવસે સલમાન ખાન તમામ સ્પર્ધકોનો પરિચય કરાવશે. આ દરમિયાન શો અંગેની મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ઘરના સભ્યોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવાનું છે અને તેથી જ શરૂઆતના અઠવાડિયામાં ફિઝિકલ ટાસ્ક આપવામાં આવશે નહીં.

શો સાથે જોડાયેલી નક્કર માહિતી આપવા માટે સોશિયલ મીડિયામાં 'ખબરી પેજ' બનાવવામાં આવ્યું છે. આ પેજ પ્રમાણે, ગયા વર્ષની જેમ આ વખતે શોમાં ડબલ-બેડ હશે નહીં. ઘરમાં કોરોના સાથે જોડાયેલી ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે અને તેથી જ ઘરના સભ્યો હંમેશાં એકબીજાથી અંતર જાળવશે. આ ઉપરાંત દર અઠવાડિયે લક્ઝરી બજેટ, એલીમિનેશન તથા ઇમ્યુનિટી માટે થનારા ફિઝિકલ ટાસ્ક પણ આ વખતે શરૂઆતના એપિસોડમાં જોવા મળશે નહીં.

શોમાં ભાગ લેનાર તમામ સેલેબ્સ તથા કોમનર્સને 20 સપ્ટેમ્બરથી ક્વૉરન્ટીન કરવામાં આવશે. ઘરમાં જતા પહેલા તમામનો કોવિડ 19નો ટેસ્ટ થશે. આ ઉપરાંત દર અઠવાડિયે મેડિકલ ટીમ ઘરમાં હાજર તમામ સભ્યોનો ટેસ્ટ કરશે. 

ગાઈડ લાઈનનું પાલન કરીને તમામ સ્પર્ધકોએ માત્ર પોતાનો જ સામાન વાપરવાનો રહેશે. દરેક સ્પર્ધકને અલગ વાસણો તથા પલંગ આપવામાં આવશે. આ વખતે એકબીજાનો સ્પર્શ કરવાની સખ્ત મનાઈ છે. 

આ વખતે શો લૉકડાઉન થીમ પર આધારિત છે. સેટ પર રેડ તથા ગ્રીન ઝોન બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ઘરમાં મિની થિયેટર, મૉલ, રેસ્ટોરાં તથા સ્પા પણ છે. આ તમામ સુવિધાઓ લક્ઝરી બજેટ જીતનાર ટીમને મળશે.