વડોદરા, તા.૬

કોરોનાકાળમાં વાઘોડિયા તાલુકામાં થયેલા મોટા ભ્રષ્ટાચારમાં રોજેરોજ નવા ફણગા ફૂટી રહ્યા છે અને કૌભાંડનો આંક વધી રહ્યો છે. સેનિટાઈઝર, હેન્ડ ગ્લોવ્ઝ બાદ હવે કોરોનાથી મૃત્યુ પામેલાઓના મૃતદેહોને અગ્નિદાહ આપવા વપરાયેલા લાકડાં વિનામૂલ્યે મળ્યા હોવા છતાં એની ખરીદીના મસમોટા બિલો તલાટીઓએ મૂકયા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે કૌભાંડનો રેલો પૂર્વ ટીડીઓ સુધી પહોંચે એવી શક્યતા છે.

જાણકારોના જણાવ્યા મુજબ મોટા અધિકારીની મિલીભગત વગર તલાટીઓ આવું સામૂહિક કૌભાંડ કરી શકે જ નહીં. ત્યારે તાલુકા પંચાયત ખાતે મળેલી બેઠકમાં પણ તલાટીઓએ મૌખિક રીતે પૂર્વ ટીડીઓના ઈશારે આખું કૌભાંડ આચર્યું હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે પોલીસ આ દિશામાં પણ તપાસ હાથ ધરશે કે કેમ? રિમાન્ડ ઉપર રહેલા ભ્રષ્ટ તલાટી અભિષેક મહેતાના હસ્તાક્ષરના નમૂના લેવાની કાર્યવાહી વાઘોડિયા પોલીસે હાથ ધરીહતી. પોલીસને ગઈકાલે જ તલાટીએ મૂકેલા નિધિ એન્ટરપ્રાઈઝ અને રોયલ એન્ટરપ્રાઈઝન બિલ આપ્યા છે, એની પ્રાથમિક તપાસમાં જ સેનિટાઈઝર અને હેન્ડ ગ્લોવ્ઝની ખરીદીમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે. આવી પ૦ ગ્રામ પંચાયતોએ નિધિ એન્ટરપ્રાઈઝ અને રોયલ એન્ટરપ્રાઈઝના બિલો મૂકયા છે. ત્યારે આ પ૦ ગામોના ર૮ તલાટીઓએ મળી સામૂહિક ભ્રષ્ટાચાર આચરી કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

ભ્રષ્ટ તલાટીઓ દ્વારા કોરોનાના મૃતકોને અગ્નિદાહ આપવા માટે લાકડાં ખરીદ કર્યા હોવાના બિલો પણ મૂકયા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ ગામોના સરપંચો અને ગ્રામ્યજનોએ લાકડાં વિનામૂલ્યે આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં તલાટીઓએ લાકડાં ખરીદીના મસમોટા બિલો મૂકી વ્યાપક ભ્રષ્ટાચાર આચર્યો છે. આમ, સેનિટાઈઝર અને હેન્ડ ગ્લોવ્ઝ બાદ કોરોનાના મૃતકોને અગ્નિદાહ આપવા માટે વપરાયેલા વિનામૂલ્યે મળેલા લાકડાંની પણ ખરીદી બતાવી તલાટીઓએ મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે કૌભાંડનો આંક દિવસે ને દિવસે વધતો જાય છે.

બીજી તરફ વાઘોડિયા પોલીસ દ્વારા કૌભાંડની તપાસ જે ગતિથી થવી જાેઈએ એવી ગતિથી નહીં થતી હોવાનું માનવામાં આવે છે. જેની પાછળ પોલીસ દ્વારા કોઈના દબાણથી મામલામાં ભીનું સંકેલવાનો પ્રયાસ થતો હોવાનું માનવામાં આવે છે. તાલુકાના ગ્રામ્યજનોમાં ભ્રષ્ટ તલાટીઓ ઉપર ભારે રોષ ફેલાયો છે ત્યારે તલાટીઓએ ગ્રામ પંચાયતોની કચેરીએ હાજરી આપવાનું શરૂ કર્યું હોવાથી રેકર્ડ સાથે ચેડાં થવાની આશંકાઓ પણ ઊભી થઈ છે.