અરવલ્લી : રાજસ્થાન રાજ્યમાં આદિવાસી વિદ્યાર્થીઓનું ૧૮ દિવસથી શિક્ષકોની ભરતી બાબતે ચાલી રહેલા આંદોલનમાં ગુજરાતથી રતનપુર થઇ જતા ખેરવાડા રાજસ્થાન તરફનો નેશનલ હાઇવે નં.૮ બંધ છે. ગુજરાત રાજ્યમાં જેમાં મુખ્યત્વે આ રાજસ્થાન રાજ્યની બોર્ડરને અડીને આવેલ વિસ્તારમાં કોઇ પ્રત્યાઘાત ન પડે તે સારૂં નાયબ પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા તથા અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સુચના અન્વયે ભીલોડા, શામળાજી, ઇસરી, મેઘરજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. રતનપુર તરફ જતા નેશનલ હાઇવે રોડ નં.૮નો ટ્રાફિક ભીલોડા થઇ ઇડર, ખેડબ્રહ્મા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. બીજા વાહનો મેઘરજ- ઉન્ડવા થઇ સીમલવાડા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. માલપુર તરફના વાહનો પણ કાલીયાકુવા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં કોઇ ગંભીર અનિચ્છનીય બનાવ બન્યો નથી. આ આંદોલન રાજસ્થાન રાજ્યના ખેરવાડા તરફ ચાલી રહ્યું છે. ગુજરાતની રતનપુર બોર્ડર ઉપર કોઇ જ પ્રત્યાઘાત પડયા નથી. પરંતુ સોશ્યલ મિડીયા ઉપર તેમજ અમુક ન્યુઝ ચેનલો ઉપર રાજસ્થાન રાજ્યના ફોટોગ્રાફ મુકી રતનપુર ચેકપોસ્ટ ઉપર બનાવો બન્યા છે અને રતનપુર ચેકપોસ્ટ ઉપર માહોલ ગંભીર છે. તે રીતે બતાવવામાં આવે છે. પરંતુ તે હકીકત સત્યથી વેગળી છે. નાના એક બે બનાવો બાદ કરતાં ગુજરાતની બોર્ડર ઉપર હાલ સંપૂર્ણ શાંતિ છે. જેથી આંદોલન સબબ ખોટી અફવાઓથી દૂર રહેવા જાહેર જનતાને અપીલ છે. રાજસ્થાન રાજ્યમાં બનેલા બનાવોના કોઇ પ્રત્યાઘાતો ગુજરાતમાં તેમજ ખાસ કરીને અરવલ્લી જિલ્લા બોર્ડર ઉપર ન પડે તે સારૂં બોર્ડર ઉપરના અનુસુચિત જનજાતિના આગેવાનો સાથે જિલ્લા પોલીસ સતત સંપર્કમાં રહી શાંતિ જળવાઇ રહે તે સારૂં સતત પ્રયત્ન કરી રહી છે. રાજસ્થાન ગુજરાત રાજ્યની બોર્ડર ઉપર અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત તેમજ ડીવાય એસપી ભરત બસિયા સતત ખડેપગે હાજર રહી જરૂરી માર્ગદર્શન જિલ્લા પોલીસને આપી કડક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.