વડોદરા : પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલી પ્રિમોન્સૂતની કામગીરીની પોલ ભાજપાના કાઉન્સિલરે જ ખોલી હતી. વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટી પાસે કાંસની સાફ-સફાઈ ન થતાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાતાં ભાજપાના કાઉન્સિલરને જાતે પાવડા-તગાડા લઈને કાંસની અને વરસાદી ગટરની સાફ-સફાઈ કરવી પડી હતી.સ્માર્ટ સિટીના સ્માર્ટતંત્ર અને સત્તાધીશો દ્વારા વડોદરા શહેરમાં પ્રિમોન્સૂનની કામગીરી પૂરી થયાના મોટા દાવા કરાયા હતા. પરંતુ ગુરુવારે થયેલા પ્રથમ વરસાદમાં જ સ્માર્ટ સિટીનો મેકઅપ ઉતરી ગયો હતો અને ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. પાલિકાના પ્રિમોન્સૂનની કામગીરીની પોલ સત્તાધારી પક્ષ ભાજપાના જ કાઉન્સિલરે ખોલી મોટા દાવાઓ પોકળ હોવાનું સ્પષ્ટ કર્યું હતું. ગઈકાલે બપોરે થયેલા દોઢ ઈંચ વરસાદમાં શહેરમાં અનેક જગ્યાએ સાથે સાથે વાઘોડિયા રોડ, વૈકુંઠ સોસાયટીની પાસે પણ વરસાદી પાણી ભરાયાં હતાં. કાંસની સાફ-સફાઈ ન થતાં પાણી ભરાવાથી પરેશાન થયેલા રહીશોએ તેમના વોર્ડ નં.૧૫ના કાઉન્સિલર રણછોડ રાઠવાને આ અંગેની જાણ કરાતાં તેઓ તરત જ દોડી આવ્યા હતા અને સંબંધિત અધિકારીઓને ફોન કર્યો હતો, પરંતુ ફોન સ્વિચ ઓફ આવતાં પાલિકાના અધિકારી કે કર્મચારીઓની રાહ જાેયા વગર જાતે જ પાવડો-તગાડો લઈને કિચડમાં ઉતરી વરસાદી કાંસ અને વરસાદી ગટરની કામગીરી શરૂ કરી હતી. ત્યારે પાલિકા દ્વારા ચોમાસા પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલ પ્રિમોન્સૂનની કામગીરીના દાવા અને બીજી તરફ પ્રથમ વરસાદમાં જ ઠેર-ઠેર ભરાયેલાં પાણી જાેઈને કેવી કામગીરી કરાઈ હશે તે સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત સત્તાધારી પક્ષના જ કાઉન્સિલરોનું અધિકારીઓ સાંભળતા ન હોય તો તંત્ર પર પકડ છે કે કેમ? તે પણ એક મોટો પ્રશ્ન છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર સતર્ક ઃ શનિવાર-રવિવારે હેડ ક્વાર્ટર નહીં છોડવા આદેશ

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ૪૦ કિ.મી.ની ઝડપે પવન સાથે પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં વડોદરાનો પણ સમાવેશ થતો હોવાથી નિવાસી અધિક કલેકટર દિલીપ પટેલે જિલ્લા વહીવટીતંત્રને સતર્ક રહેવા અને તકેદારીના તમામ પગલાં લેવા માટે સૂચના આપી છે. જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને નગરપાલિકાના મુખ્ય અધિકારીઓને શનિવાર અને રવિવાર એમ બે દિવસ દરમિયાન હેડ ક્વાર્ટરમાં જ હાજર રહેવા ખાસ જણાવાયું છે. કલેકટર કચેરીમાં કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા તમામ તાલુકા તંત્રને સાવધ કરતાં જણાવાયું છે કે રાજ્યકક્ષાના કંટ્રોલ રૂમ, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમને મળેલા મેસેજમાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને જિલ્લાઓમાં તમામ સંબંધિત વિભાગોને સાવધ-એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તમામ તાલુકાકક્ષાના કંટ્રોલ રૂમના નંબર ચાલુ રહે તથા જે તે ફરજ પરના કર્મચારીઓ હાજર રહે તેની ખાતરી કરી લેવા પણ જણાવ્યું છે. કંટ્રોલ રૂમ પરથી તલાટી મારફતે ગ્રામ્ય કક્ષા સુધી મેસેજ પહોંચાડી ગાજવીજ થાય તે સમયે પોતાના ઘરમાં જ રહેવા જાણ કરવી તેમજ ગાજવીજ વરસાદ દરમિયાન વૃક્ષોની નીચે કે ઈલેકટ્રીક પોલ પાસે ઊભા રહેવું નહીં એવી માહિતી પહોંચાડી જાનહાનિ થવાની સંભાવના ટાળવાની તમામ તકેદારીઓ લેવા સૂચના આપવામાં આવી છે અને કોઈપણ નુકસાન થાય તો તાત્કાલિક જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવામાટે જણાવાયું છે. આમ, ભારે પવન સાથે વરસાદ તૂટી પડવાની હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થયું છે.