વડોદરા : ગત ૨૫મી ઓક્ટોબરે પીસીબીએ સયાજીગંજ વિસ્તારમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી રહેલા યુવકની ધરપકડ કરી હતી. જેના મોબાઇલની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા મહારાષ્ટ્ર અને રાજસ્થાનની બોગસ માર્કશીટનનુ કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

શહેરના સયાજીગંજ વિસ્તારમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા આદિલ મજરભાઈ ચીનવાલા (રહે, ચીનવાલા બિલ્ડીંગ, મોગલવાડા)ની પીસીબીએ ગત તા. ૨૫ ઓકટોબરના રોજ ધરપકડ કરી હતી. સટ્ટો રમતા ઝડપાયેલા આદિલના મોબાઇલની પોલીસે તપાસતા મહારાષ્ટ્ર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની માર્કશીટના ફોટા મળી આવ્યાં હતા. જેથી પોલીસે આદિલની આ મામલે કડકાઇથી પુછપરછ કરતા ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. જેથી આદિલની આ અંગે પૂછતાછ કરતા મિત્ર નોયલ ઉર્ફે નેવલ સરજુભાઈ પરેરા( રહે- શિવ શક્તિ નગર સોસાયટી અકોટા પોલીસ લાઈન સામે, અકોટા)એ મોકલ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે આદિલને સાથે રાખી નોયલ ઉર્ફે નેવલના ઘરે દરોડા પાડી તપાસ કરતાં ઘરમાંથી મહારાષ્ટ્ર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની લેમિનેશન કરેલી ત્રણ માર્કશીટ મળી આવી હતી.

પોલીસે આ અંગે નોયલ ઉર્ફે નેવલની પુછતાછ કરતા મિત્ર જીગર રમેશભાઈ ગોગરા (રહે -સરોજ પાર્ક, રીફાઈનરી રોડ, વડોદરા)એ માર્કશીટ અને સર્ટીફિકેટ બનાવી આપ્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે માર્કશીટની ખરાઇ અર્થે ઈમેલ મારફતે પુણે મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશનને મોકલી હતી. મહારાષ્ટ્ર બોર્ડ થકી જાણ કરવામાં આવી હતી કે, માર્કશીટ તથા સહી સિક્કા ખોટા અને બનાવટી છે. જેથી ગોત્રી પોલીસે મહારાષ્ટ્ર બોર્ડની ડુપ્લીકેટ માર્કશીટ બનાવવા અને રાખવા મામલે નોયલ ઉર્ફે નેવલ પરેરા અને જીગર ગોગરાની ધરપકડ કરી નકલી માર્કશીટ, નકલી માઈગ્રેશન સર્ટિફિકેટ યાંત્રિક સાધનો કબ્જે લીધા હતા. જોકે, આ માર્કશીટ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોના નામ બહાર આવી શકે છે. તેથી આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી જિગર ગોગર પાસેથી મળી આવેલ બનાવતી ડોક્યુમેન્ટ્‌સ

• મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકન્ડરીના ધો.૧૨ની ૩ માર્કશીટ અને સર્ટિફિકેટ

• રાજસ્થાન સ્ટેટ ઓપન સ્કુલ, જયપુરની ધો.૧૨ની ૬ માર્કશીટ અને સર્ટિફિકેટ

• ડૉ. ભીમરાવ આંબેડકર વિશ્વ વિદ્યાલય, આગ્રાની બી.કોમની ૧૨ માર્કશીટ

• એન.કે.એકેડેમી, દાહોદનું ૧ લિવિંગ સર્ટિફિકેટ

• એપેક્ષ એજ્યુકેશન સોસાયટીનું એન્જીનીયરીંગનું ૧ એટેમ્પટ સર્ટિફિકેટ

• રાજસ્થાન સ્ટેટ ઓપન સ્કુલનું માઈગ્રેશન અને ટ્રાન્સફર સર્ટિફિકેટ

• સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ

૨ લાખ રૂપિયા ન આપતાં પોલીસે અમારા પુત્રોને માર્યા છે

૨૫મી ઓક્ટોબરના રોજ સયાજીગંજ વિસ્તારમાંથી સટ્ટો રમતા પકડાયેલા આદિલ અને તેના મિત્રોને રંગેહાથ પકડ્યા બાદ પીસીબી દ્વારા તેઓની પાસેથી બે લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાના આક્ષેપો તેઓના પરિવારજનોએ કર્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓની પૈસાની માંગણી ન સંતોષાતા પોલીસ દ્વારા મારા પુત્રોને તપાસના બહાને માર પણ મારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જો કથિત આક્ષેપો મુજબ સટ્ટો રમતા પકડાયેલા આદિલ અને તેના મિત્રો દ્વારા જો પીસીબી એ માંગેલા ૨ લાખ રૂપિયા આપી દેવાયા હોત તો પીસીબીને આ બોગસ માર્કશીટ કૌભાંડ પકડવામાં સફળતા મળી ન હોત.