વડોદરા-

બર્ડ ફ્લુ સામે સઘન સાવચેતીના ભાગરૂપે સાવલી ના પશુ દવાખાના ખાતે તાલુકા કક્ષાનો નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યો હતો.સઘન તકેદારી રાખવાની જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ની સૂચનાઓને અનુસરીને આજે જિલ્લા પંચાયત ભવન,વડોદરાના પહેલા માળે જિલ્લા કક્ષાનો નિયંત્રણ કક્ષ ચાલુ કરવામાં આવ્યો છે જે ચોવીસે કલાક કાર્યરત રહેશે.તેનો સંપર્ક નં.0265/2438110 છે.

ઉપરોક્ત જાણકારી આપતાં વડોદરા જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડો.પ્રકાશ દરજીએ જણાવ્યું કે બર્ડ ફ્લૂ ની જે સ્ટ્રેન જોવા મળી છે એ પક્ષીમાં થી માણસમાં ભાગ્યેજ ફેલાય છે.એટલે ખોટી ગભરામણ ના બદલે સમુચિત સાવચેતી રાખવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે હાલમાં પક્ષી ઉછેર સંસ્થાઓ એટલે કે પોલટ્રી ખાતે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. તેના ભાગરૂપે આજે વડોદરા જિલ્લાના તમામ 8 તાલુકાની આવી સંસ્થાઓના સંચાલકો સાથે બેઠક યોજીને હાલના સંજોગોમાં શું કરવું,શું ટાળવું,આ બાબતમાં ભારત સરકાર અને ગુજરાત સરકારની ગાઈડ લાઇન,એસ.ઓ.પી. ની વિગતવાર જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 તેમણે જણાવ્યું કે ખાસ કરીને વેટ લેન્ડ ખાતે આવતા વિદેશી પક્ષીઓ આ બર્ડ ફ્લૂના વાઇરસ ના વાહક છે પરંતુ આ પક્ષીઓ ને તેની અસર થતી નથી.એમની હગાર વેટ લેન્ડના પાણીમાં ભળે અને એવું દૂષિત પાણી દેશી પક્ષીઓ પીવે ત્યારે આ રોગ થી અસરગ્રસ્ત થવાની શક્યતા રહે છે.તેને અનુલક્ષી ને જિલ્લાના વઢવાણા વેટ લેન્ડ ખાતે વન વિભાગની સાથે પશુપાલન ખાતાની બે ટીમો સતત નજર રાખી રહી છે.અત્યાર સુધીમાં પક્ષી મરણ ની આ સ્થળે કોઈ ઘટના નોંધાઈ નથી.