અરવલ્લી : અરવલ્લી જિલ્લાના ઇસરી પોલીસ મથક વિસ્તારના મોટી મોરી ગામેથી ખેતરમાંથી મળેલા મૃતદેહમાં હત્યાની ફરિયાદ નોંધાઇ હતી. તેમાં બે સગાભાઈની આરોપીઓ તરીકે ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. જો કે, પાંચ મહિના પછી મૃતક યુવક વતન પરત આવતા રહસ્યના વમળો સર્જાયા હતા. ખરેખર જો મૃતક જીવે છે તો પોલીસે દફનાવી દીધેલા મૃતદેહ કોનો એ અંગે રહસ્ય છુપાયેલ જોવા મળ્યું છે.આરોપીઓએ હત્યા કર્યાનું કઇ રીતે કબુલ્યું તે અંગે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા. આ કેસમાં રેન્જ આઈ. જી. અભય ચુડાસમાએ ઇસરી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર.તાવીયાડે હત્યાનો ગુનો ઉકેલવામાં કરેલી ગંભીર બેદરકારી દાખવી હોવાનું ફલીત થતા સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. ઇસરી પોલીસ મથક હેઠળના રાજસ્થાન સરહદે આવેલ મોટી મોરી ગામે ગત ૬ ફેબ્રુઆરીના રોજ ખેતર પાસે એક યુવકનો મૃતદેહ ચાદરમાં લપેટલી હાલતમાં મળી આવ્યો હતો. જે બાબતે શરૂઆતમાં પોલીસે અજાણ્યો યુવક સમજી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો. પરંતુ જે તે વખતે આ મૃતક યુવકના હાથે લખેલ લખાણ અને જમણા પગમાં સળીયો નાખેલો હોવાની ઓળખ કરી આ મૃતદેહ રાજસ્થાનના રાસતાપાલ ગામના ઈશ્વર મનાતનો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર બાબતે ઇસરી પોલીસે મૃતકના સગાભાઈઓને હત્યાના આરોપી બનાવી મૃતદેહને જમીનમાં દફનાવી અંતિમવિધિ કરી બંને સગાભાઈઓને જેલમાં ધકેલી દઈ સમગ્ર બાબતે પડદો પાડી દીધો હતો. પરંતુ આ ઘટનાને પાંચ મહિના બાદ મૃતક ઈશ્વર મનાત પોતાના વતન ખરપેટા પરત આવતા ઘરના સદસ્યો પણ વિચારમાં પડી ગયા હતા. પાંચ મહિના ગુમ રહેવા મામલે ઈશ્વરે ત્યારે જણાવ્યું કે, હું મજૂરીકામ અર્થે જૂનાગઢ ગયો હતો અને લોકડાઉનના કારણે ફસાઈ ગયો હતો. મારી જગ્યાએ મારા નામે પોલીસે બીજા કોઈનો મૃતદેહ દફનાવી મારા ભાઈઓને ખોટી રીતે જેલમાં મોકલ્યા છે.ખોટી રીતે હત્યા કરી હોવાની કબૂલાત કરાવી છે.