ડભોઇ : ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ સુપર સ્ટાર એવાં નરેશ કનોડીયા નો તીર્થક્ષેત્ર ચાંદોદ સાથે અનોખો નાતો રહ્યો છે. તેઓ પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન ચાંદોદ નો નર્મદા કિનારો હોય કે પછી એ ઐતિહાસિક મંદિરો દેવાલયો કે પછી નદી કિનારાના કુદરતી સૌંદર્ય અને વનરાજીથી હર્યા ભર્યા વિસ્તારો માં શૂટિંગ અર્થે અવારનવાર આવતા હતા માં નર્મદા પ્રત્યે પણ અનન્ય અને અતૂટ શ્રદ્ધાને કારણે તેઓ અનેક વાર કૌટુંબિક વિધિવિધાન અર્થે ચાંદોદ પધારતા હતા. પરંતુ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે એ ઉક્તિ અનુસાર બંને ભાઈઓ એ કલાકોની ગણતરીમાં આ દુનિયાને અલવિદા કહી પંચમહાભૂતમાં વિલિન થયા ત્યારે જે તીર્થ સાથે તેઓ ની યાદ સંકળાયેલી છે તેવા સ્થળ તીર્થક્ષેત્ર ચાંદોદ ના ત્રિવેણી સંગમ ખાતે પરિવારજનોએ આવી પહોંચી અસ્થિ વિસર્જન પરિપૂર્ણ કરી તેઓના અસ્થિ ને નર્મદા નદીમાં ભારે હૈયે વિસર્જિત કર્યા હતા. અસ્થિ વિસર્જન અર્થે ચાંદોદ આવેલા તેઓના ભત્રીજાઓ પિનાકીન કનોડીયા, ગૌતમ કનોડિયા, દર્શન કનોડીયા, પ્રકાશ કનોડિયા સહિત શાંતિલાલ પરમારે ‘”રામ લક્ષ્મણ ની જોડી કોઈ શકેના ભૂલી”’ ગીત ગુનગુનાવી મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાને યાદ કર્યા હતા.