ભરૂચ, ભરૂચ શહેરના શેઠ ફળિયા વિસ્તામાં રહેણાંક મકાનમાં ગટરલાઇન લીકેજનાં પગલે જમીન પોચી થવાથી ભૂવો પડયો હતો. ભરૂચનાં શેઠ ફળિયા વિસ્તારમાં પુષ્પબાગની સામે ગટરલાઇન બ્લોક થવાથી ગટરનું સમગ્ર પાણી એક સ્થાનિક રહેવાસીનાં ઘરમાં સમાતું હતું. પરિણામે ઘરમાં ભૂવો પડી જતાં ઘરવાસીઓ તેમજ આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોતાની આપવીતી જણાવતા જયેશ જાેશીએ જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી આ પાણીના એકઠું થાય છે તેની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છીએ છેલ્લા એક વર્ષથી ભરૂચ નગરપાલિકાને અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે તેમ છતાં અમારી સમસ્યાને કોઈ ધ્યાને લેતું નથી. આજે અમારા ઘરમાં ભૂવો પડી ગયો છે.

જેનું મુખ્ય કારણ અહીંથી પસાર થતી ગટર છે જેનું પાણી મેઇન ગટરમાં જતું નથી અને મારા ઘરમાં જ સમાઇ જાય છે અને નગરપાલિકાનાં સત્તાધીશોને આ મુદ્દે યોગ્ય કરવા જણાવ્યુ હતું. ત્યારે લેખિત કે મૌખિક અરજીઓ કરવા છતાં નિષ્ઠુર બનેલ નગરપાલિકા સત્તાધીશો લોકોની સમસ્યાઓ ધ્યાને નહિ લેતાં હોવાનું સામે આવ્યું છે ત્યારે આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા કોર્પોરેટરો શુ કરે છે તે આવનાર સમયે દેખાશે પણ હાલ તો પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં નગરપાલિકા તંત્ર નિષ્ફળ નીકળ્યું હોવના ઉદાહરણો સપાટી પર આવી રહ્યા છે.