વડોદરા : જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાની સીધી અસર હેઠળ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનો સપાટો ફરી વળતા સામાન્ય જનજીવન ખોરવાઈ ગયુ છે.તેની સીધી અસર હેઠળ ઉત્તર તરફથી બર્ફિલા પવન ફૂંકાતાં શહેરમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. ઠંડીનો ચમકારાને કારણે શહેરમાં ખશનૂમા માહોલ અનુભવાઈ રહ્યો છે. આજે ૧૧.૨ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ચાલુ શિયાળાની મોસમનો કોલ્ડેસ્ટ ડે રહ્યો હતો.  

વડોદરામાં છેલ્લાં કેટલાંક દિવસથી તીવ્ર ઠંડીના સપાટા વચ્ચે ખુશનૂમા માહોલ અનુભવાઈ રહ્યો છે. ઉત્તર તરફથી ઠંડા પવન ફૂંકાતાં શહેર ઠંડુંગાર બન્યું છે. તેમાંય વહેલી સવારે અને મોડી રાત્રે તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. સોમવારનો દિવસ ચાલુ શિયાળાની મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. પરંતુ આજે લધુત્તમ તાપમાનમાં વધુ ધટાડો થતા મંગળવાર પણ કોલ્ડેસ્ટ ડે રહ્યો હતો.હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે મહત્તમ તાપમાન ૩૧.૦ ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં વધુ ઘટાડા સાથે ૧૧.૨ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા જે સાંજે ૩૬ ટકા અને હવાનું દબાણ ૧૦૧૧.૩ મિલિબાર્સ તેમજ ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના ૫ કિ.મી. નોંધાઈ હતી. ઠંડીના ચમકારાની સાથે કલાભવન ગ્રાઉન્ડ પર ગરમ વસ્ત્રોના બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જામી રહી છે.