વડોદરા, તા.૨૬

સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા મ્યુનિ. કોર્પોરેશન વર્ષ ૨૦૨૧માં ટોપટેનમાં ૮મા સ્થાને હતું, જે વર્ષ ૨૦૨૨માં બહાર ફેંકાઈ જતાં ૧૪મો નંબર આવ્યો હતો. વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના કમિશનર તરીકે બંચ્છાનિધિ પાનીએ જે દિવસે હોદ્દો સંભાળ્યો તે દિવસથી સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો અને વડોદરાને સ્વચ્છતામાં પ્રથમ ત્રણમાં સ્થાન મળે તેવા પ્રયાસ કરાશે તેમ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૨માં સતત છઠ્ઠી વખત ઈન્દોર દેશનુંુ સૌથી સ્વચ્છ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદ ચોથા વર્ષે દેશનું સૌથી સ્વચ્છ મેગાસિટી અને સુરતે ત્રીજા વર્ષે સ્વચ્છતામાં તેનું નંંબર-ટુ નું સ્થાન જાળવી રાખ્યું હતું. મ્યુનિ. કમિશનરે સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩ માટે ડે.કમિશ્રનર, આસિ. મ્યુનિ. કમિશનર, વોર્ડ ઓફિસર સહિતના અધિકારીઓની એક બેઠકનું આયોજન કર્યુ હતું. જેમાં વડોદરા ટોપટેનમાં હતું, તે ૧૪મા સ્થાને કેવી રીતે ગયું જેમાં કયા પેરામીટર્સમાં નબળો દેખાવ રહ્યો તેમાં સુધારો લાવવા સૂચના આપી હતી. શહેરમાં ચાર ઝોન છે અને દરેક ઝોનમાં ૭૦ જેટલા કચરાના ઓપન સ્પોટ છે. જ્યાં ૨૪ કલાક લોકો ખૂલ્લેઆમ કચરો નાંખે છે. આવા ઓપન સ્પોટ તબક્કાવાર નાબુદ કરાશે. ઉપરાંત ઓપન કન્ટેનર કે જે કચરાથી ભરાયેલા જાેવા મળે છે અને કન્ટેનરની બહાર પણ ગંદકી જાેવા મળે છે. આવા કન્ટેનરો હટાવી લેવામાં આવશે. આ કન્ટેનરોમાં પાલિકાના સફાઈ કર્મચારીઓ પણ કચરો નાંખે છે, તે બંધ કરાવીને તમામ કચરો ડોર-ટુ-ડોર કચરાની ગાડીઓમાં નાંખવાની સૂચના અપાઈ છે. ઉપરાંત લોકો સૂકો અને ભીનો કચરો અલગ કરીને આપે તે માટે પણ લોકોને સમજાવાશે અને ડોર-ટુ-ડોર કચરા કલેક્શનનું નેટવર્ક વધુ સઘન બનાવાશે.