વડોદરા, તા.૧૫

શહેરમાં વ્યાજખોરોએ પુનઃ માથું ઊંચકયું છે. અગાઉના પોલીસ કમિશનરે વ્યાજખોરો સામે હાથ ધરેલી ખાસ ઝુંબેશને કારણે અનેક માથાભારે અને તગડું વ્યાજ ઉઘરાવવા દાદાગીરીથી માંડી હુમલાઓ કરતાં તત્ત્વો જેલમાં ધકેલાયા હતા. પરંતુ એને લાંબો સમય વીતી ગયા બાદ વ્યાજખોરોનો આતંક પુનઃ શરૂ થયો છે. ૧૦ ટકાના ઊંચા વ્યાજે ૮૦ હજાર રૂપિયા આપી કાર પડાવી લીધા બાદ વેપારી દંપતીનું અપહરણ કરનારા માથાભારે ભરવાડ વિરુદ્ધ છાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

કોરોના મહામારીમાં કન્સ્ટ્રકશનનો વેપાર પડી ભાંગતાં નવા વ્યવસાય માટે લોન માટે મિત્રો પાસેથી મેળવેલી રકમ પરત કરવા વેપારીએ પોતાની સ્કોર્પિઓ કાર ભરવાડ પાસે ગીરવે મૂક્યા બાદ વ્યાજની ચૂકવણી ન કરતાં વ્યાજખોરોએ વેપારીના હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી હતી. વેપારી તથા તેની પત્નીનું અપહરણ કરી ૫ કલાક હોટલમાં ગોંધી રાખવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છાણી પોલીસે ગના ભરવાડ, વિરાજ પુરોહિત અને અજય ભરવાડ વિરુદ્ધ અપહરણ, ખંડણી, વ્યાજખોરી અને ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

મહેસાણાના રહેવાસી અને હાલમાં શહેરના છાણી ગામમાં રહેતા નિલેશકુમાર પટેલ કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલા છે. કોરોના મહામારીના પગલે કન્સ્ટ્રકશનના વેપાર ઉપર માઠી અસર પહોંચતાં ૬ મહિના અગાઉ તેમણે પશુનો તબેલો બનાવવા માટે લોન માટે એજન્ટ સુરેશભાઈ સુથાર (રહે. ભાયલી)નો સંપર્ક કર્યો હતો. એજન્ટે સાડા ત્રણ કરોડની લોન પાસ કરાવવા માટે ટુકડે-ટુકડે ત્રણ લાખ રૂપિયા લીધા હતા, જે રૂપિયા નિલેશકુમારે પોતાના દાગીના વેચી તેમજ મિત્રો પાસેથી ઉછીના લીધા હતા.

મિત્રો પાસેથી લીધેલા ઉછીના રૂપિયા પરત ચૂકવવાનો સમય આવતાં નિલેશકુમારે ઓળખીતા અજય ભરવાડને જાણ કરતાં તેણે ગનાભાઈ ભરવાડ સાથે મુલાકાત કરાવી હતી અને સ્કોર્પિયો ગાડી ગીરવે મૂકી કોઈપણ જાતના લખાણ વગર ૧૦ ટકા લેખે રૂપિયા ૮૦ હજાર વ્યાજે લીધા હતા અને રૂપિયાની સગવડ થાય ત્યારે રૂપિયા ચૂકવીને ગાડી લઈ જવા નક્કી થયું હતું, ત્યાર બાદ સતત ચાર મહિના સુધી તેનું વ્યાજ ચૂકવ્યું હતું, પરંતુ છેલ્લા બે મહિનાથી વેપાર પડી ભાંગતાં વ્યાજની રકમ ચૂકવી શક્યા ન હતા. જેથી ગના ભરવાડ અને તેનો સાગરિત અજય ભરવાડ અવારનવાર ફોન કરી હાથ-પગ તોડી નાખવાની ધમકી આપતા હતા.

૮ એપ્રિલના રોજ ગના ભરવાડ અને તેની સાથે અન્ય એક સાગરિત વિરાજ પુરોહિત કાર લઈને નિલેશના ઘરે ધસી ગયા હતા અને પરિવારની હાજરીમાં તારે રૂપિયા આપવા છે કે નહીં તેમ કહી અપશબ્દો બોલી નિલેશ તથા તેની પત્નીને જબરજસ્તીથી કારમાં બેસાડી કપુરાઈ હાઈવે ચોકડી પાસે આવેલી દ્વારકેશ હોટલ ઉપર લઇ જઇને ૫ કલાક સુધી બેસાડી રાખ્યા હતા, જ્યાં અજય ભરવાડ પણ આવી પહોંચ્યો હતો.

ત્રણેય વ્યક્તિએ નિલેશકુમાર પાસે રૂપિયાની જબરજસ્તી ઉઘરાણી કરી હતી અને જણાવ્યું હતું કે જાે રૂપિયા નહીં આપે તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં અપહરણકારોએ પતિ અને પત્નીને મુક્ત કર્યાં હતા. દંપતી રિક્ષામાં હેમખેમ પરત ફર્યું હતું. દરમિયાન વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલા નિલેશ પટેલે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતાં પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.