વડોદરા, તા.૯

ભાજપના વરિષ્ઠ નેતા રૂપાલાએ કરેલા નિવેદનના મામલે અગાઉ અનેક વિવાદોમાં ફસાયેલાં ભાજપાના કાઉન્સિલર કલ્પેશ પટેલે ક્ષત્રિય સમાજના આંદોલન સંદર્ભે એક પોસ્ટ મૂકી હતી. જાેકે, ભડકો થાય તે પૂર્વે શાણપણ લાધ્યું અને ક્ષત્રિય સમાજની માફી માગતી પોસ્ટ મૂકીને લાગણી દુભાવવા બદ્દલ ખેદ વ્યક્ત કર્યો હતો. અને ત્યારબાદ બંને પોસ્ટ ડિલીટ કરી હતી.

ભાજપાના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠક પર ઉમેદવાર પુરશોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઈ નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યમાં અનેક સ્થળે તેમની ઉમેદવારી રદ્દ કરવાની માગણી સાથે આંદોલન કરી રહ્યા છે. ત્યારે ભાજપાના વોર્ડ નં-૧૬ના કાઉન્સિલર કલ્પેશ પટેલે ક્ષત્રિય સમાજના આંદોલ સંદર્ભે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી, જેમાં લખ્યું હતું કે - આ ચોક્કસ ગેંગ રૂપાલા નહીં, પરંતુ હિન્દુ અને મોદીજીની વર્ષોની મહેનત પર પાણી ફેરવવા આવી છે. જે સાચો ક્ષત્રિય છે એ હિન્દુ મોદીજીની સાથે જ છે.

જાેકે, ભડકો થાય તે પૂર્વે જ તેઓને શાણપણ લાધ્યું હતું અને તુરંત ક્ષત્રિય સમાજની માફી માગતી બીજી પોસ્ટ મૂકી લાગણી દુભાવવા બદ્દલ દિલગીરી વ્યક્ત કરી હતી.જાેકે, ગણતરીના સમય બાદ આ બંને પોસ્ટ ડીલીટ કરી દીધી હતી.