વડોદરા

આઈપીએલ ટ્‌વેન્ટી-ટ્‌વેન્ટી મેચો અદાલતના આદેશ બાદ બંધ કરવામાં આવી છે. ત્યારે ક્રિકેટના ઓનલાઈન સટ્ટા સાથે સંકળાયેલા સટોડિયાઓ અન્ય દેશોમાં રમાતી ક્રિકેટ મેચો ઉપર સટ્ટો રમવાનું ચાલુ કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ અંગે દરોડો પાડી પાકિસ્તાન-ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ ઉપર સટ્‌ો રમતા એકને ઝડપી પાડી બે જણાને ફરાર જાહેર કર્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ મહેશ સોલંકીને ક્રિકેટના સટ્ટા અંગેની બાતમી મળી હતી જેના આધારે સેકન્ડ પીઆઈ ખેરનીટીને ખોડિયારગનર રોડ, સત્યમ્‌ પાર્ટી પ્લોટની સામે આવેલ આમ્રવિલામાં ક્રિકેટના ઓનલાઈન સટ્ટા ઉપર દરોડો પાડયો હતો. એ દરમિયાન મોબાઈલ એપ્લિકેશનથી હાર-જીતનો જુગાર રમતા સંજયકુમાર નારણદાસ શિવનાનીને ઝડપી પાડયો હતો. પોલીસે બાદમાં એની કરેલી પૂછપરછમાં સટોડિયા મુકેશ ભાટી અને કુખ્યાત જગદીશ માખીજાની સંડોવણી બહાર આવતાં એમને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે પાંચ નંગ મોબાઈલ ફોન, આંકડા લખેલી ડાયરી, રોકડા રૂપિયા મળી કુલ રૂા.૮૫,૭૦૦નો મુદ્‌ામાલ પણ જપ્ત કરી વધુ કાર્યવાહી માટે હરણી પોલીસ મથકને કાગળો સુપરત કરવામાં આવ્યા હતા.