વડોદરા : સમગ્ર દેશની સાથોસાથ ગુજરાતમાં આજે કોરોનાના રસીકરણનો ૧૬૧ કેન્દ્રો ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વડોદરા શહેર અને જિલ્લાના દશ કેન્દ્રો ખાતે ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં કોરોનાના રસીકરણના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો છે. આ કેન્દ્રોમાં વડોદરા શહેરના છ અને જિલ્લાના ચાર મથકોનો સમાવેશ થાય છે. આ રસીકરણની સંપૂર્ણ સફળતા પછીથી અને એનું કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થતા તેમજ એક પણ રસીલેનારમાં એની આડઅસર ન જણાતા હવે આગામી સમયમાં રસીકરણ કેન્દ્રોમાં વધારો કરીને વધુને વધુ લોકોને કોરોણાની રસી આપવાનું આયોજન કરવામાં આવશે એમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. જેને લઈને રસીકરણના સરકારના લક્ષ્યાંકને ઝડપભેર પૂર્ણ કરી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર દ્વારા અંદાજે ૩૦ કરોડ લોકોને કોરોણાની રસી આપવાને માટે આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરાના અટલાદરા ખાતે આવેલ બાપ્સ હોસ્પિટલ ખાતે ૧૮,૦૦૦ કોરોના વેક્સિન ડોઝનું સંતગણની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી ઇ-સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વડોદરા ખાતે બાપ્સના કોઠારી સ્વામી, જ્ઞાનવત્સલ્ય સ્વામી, ધારાસભ્ય જીતુ સુખડીયા, ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, શ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, બાપ્સના હોસ્પિટલના તબીબો, સંતગણ તેમજ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરના ૬ અને ગ્રામ્યના ૪ સહિત કુલ ૧૦ કેન્દ્રો પર રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લામાં કોવીડ રસીકરણના પ્રારંભની તમામ તૈયારીઓ નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે પૂર્ણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ માધ્યમથી જાેડાયા હતા. આજ પ્રમાણે વડોદરા શહેરમાં કુલ ૬ સેન્ટરો પર સેન્ટર દીઠ ૧૦૦ વ્યકિતો મળીને કુલ ૬૦૦ વ્યકિતોને રસી મૂકવામાં આવી તે મુજબ ૧૦૦% વેકસીનેશન કરવામાં આવ્યું હતું.   

ભાજપના કયા નેતાએ કયા સ્થળે કોરોના રસીકરણમાં હાજરી આપી

શહેર જિલ્લાના દશ રસીકરણ કેન્દ્રો ખાતે ભાજપના સાંસદ, વિધાનસભાના અધ્યક્ષ, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યની ઉપસ્થિતિમાં રસીકરણનો કાર્યકેરામ યોજાયો હતો. જેમાં સયાજી હોસ્પિટલ ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, જમનાબાઇ હોસ્પિટલ ખાતે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે, કિશનવાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, સત્યમ હોસ્પિટલ, છાણી ખાતે ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે, માણેજા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ધારાસભ્ય અક્ષય પટેલે, બાપ્સ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાએ, ધીરજ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, સાવલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય કેતન ઈનામદાર અને સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે પૂર્વ મંત્રી ભુપેન્દ્રભાઈ લાખાવાલા સહિતનાઓએ કોવિડ રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.આ ઉપરાંત એસએસજી હોસ્પિટલ ખાતેના કાર્યક્રમમાં ડૉ.જીગિષાબેન શેઠ, મ્યુનિસિપલ કમિશ્નર પી.સ્વરૂપ, કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ, ડૉ.ઓ.બી. બેલીમ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ડોકટર તરીકે હું રસી લઉં તો તમે કેમ નહિ? ઃ ડો.હેમંત માથુર

સયાજી હોસ્પિટલના વધારાના અધિક્ષક અને ઓર્થોપેડિક વિભાગના વડા ડો.હેમંત માથુરે વડોદરા શહેર અને જિલ્લામાં કોવિડ રસીકરણના પ્રારંભે સહુથી પહેલી રસી લીધી હતી. રસી લેનારને તે પછી ૩૦ મિનિટ સુધી આડઅસર વિષયક નિરિક્ષણ હેઠળ રાખવામાં આવે છે. ડોકટર માથુરે એ સમયગાળો પૂર્ણ થયો કે તુરંત જ એક દર્દીની સર્જરી હાથ પર લઈને આ રસી એકદમ સલામત હોવાની અનુભૂતિ કરાવી હતી. વડોદરા શહેર જિલ્લામાં રસીકરણ શરૂ કરાવવા માટે પ્રથમ યાદીમાં પ્રથમ લાભાર્થીની તક મળતા તેઓએ જણાવ્યું હતું કે, ડોકટર તરીકે મેં આ રસી તે સલામત હોવાનો લોકોને વિશ્વાસ બંધાવવા લીધી છે.

એસ.એસ.જી.ના જ ફ્રન્ટલાઈન કેરટેકરને રસીથી આવરી લેવાયા ઃ ડૉ.ઓ.બી.બેલિમ

 સૌથી પહેલી રસી કોરોનાનાં રસીકરણ કેન્દ્રમાં એસ.એસ.જી. હોસ્પિટલના જ એક ડૉ. હેમંત માથુરને આપવામાં આવી. બીજી રસી પેરિફેરાલ વિભાગના નોડલ ઓફિસર ડૉ હિમાંશુ રાણાને આપવામાં આવી અને ત્રીજી રસી લેડી ડૉ. કૃપા પાઠક કે જેઓ મેડિસિન વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને તેઓ પણ છેલ્લા ૧૦ મહિનાથી ફ્રન્ટલાઈન કોરોના વોરિયર તરીકે કામ કરે છે. આ રીતે તબક્કાવાર સાંજે લગભગ ૪ થી ૫ વાગ્યા સુધીમાં અંદાજે ૧૦૦ જેટલા હેલ્થવર્કરને કોરોના રસી આપાઈ હતી.

કોરોના રસીથી ડરવાની જરૂર નથી ઃ સ્ટાફનર્સ ઉન્નતિ બહેન

સયાજી હોસ્પિટલના રસીકરણ કેન્દ્ર ખાતે કોરોના લડવૈયા એવા સ્ટાફ નર્સ ઉન્નતિ મકવાણાએ પહેલા જ દિવસે રસી લીધી હતી. તેમણે જણાવ્યું કે રસીથી ડરવાની કોઈ જરૂર નથી અને હકીકતમાં તેનાથી ખૂબ લાભ થશે અને કોરોના નાબૂદ કરવામાં મદદ મળશે. એસએસજીમાં કોરોના સારવારના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે, રસી લેનારે પ્રથમ ૪૨ દિવસ સુધી જરૂરી કાળજી લેવાની છે

રસી બનાવવામાં સૌ નિષ્ણાતોનું યોગદાન ઃ રાજેન્દ્ર ત્રિવેદી

ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે ઉપસ્થિત રહી શહેર અને જિલ્લામાં રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. તેઓએ જણાવ્યું કે, વડાપ્રધાને કોરોના રસીનું દેશવ્યાપી વિતરણ ૧૨મીએ શરૂ કરાવ્યું. દરેક જગ્યા પર ફ્રન્ટ લાઇન વોરિયર્સ છે તેમને પ્રથમ રસી આપવામાં આવશે. આ રસી ક્યાંય પાછી નહિ પડે. સચેત થઇ, માહિતી મેળવીને, વૈજ્ઞાનિકો, ડોકટર્સ, ડબ્લ્યુએચઓ તરફથી માહિતી મેળવીને આ રસી તૈયાર કરવામાં આવી છે.