અમદાવાદ-

કોરોના સંક્રમણને લઈ છેલ્લા બે માસ ઉપરાંતથી મહત્તમ મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા. જ્યારે હવે કોરોનાનું સંક્રમણ ઘટતા દર્શનાર્થીઓ માટે મંદિર ખોલવા સરકારે પરવાનગી આપી છે.જેને લઈ રાજ્ય ના કેટલાક મંદિરો આજ 11 જૂને ખોલી દેવાયા હતા. ત્યારે ગુજરાતનું સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર આવતીકાલ 12 જૂન થી દર્શનાર્થીઓ માટે વિધિવત ખુલ્લું મુકાશે. અંબાજી દર્શને આવતા યાત્રિકો કોરોના સંક્રમિત ન થાય તે માટે સંપૂર્ણ પ્રયાસો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે.

અંબાજી મંદિરમાં દર્શને આવતા યાત્રિકોએ ફરજીયાત માસ્ક પહેરવું પડશે અને લાઇન બધ્ધ સોશિયલ ડિસ્ટન્સમાં દર્શન માટે જવાનું રહેશે.અંબાજી મંદિર ટ્રસ્ટમાં દર્શનાર્થીઓ માટે ઉભી કરાયેલી વ્યવસ્થા અંગે મંદિર ટ્રસ્ટના નાયબ કલેકટર સહિત અન્ય અધિકારીઓએ મંદિરમાં ઉભી કરાયેલી વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી અને સાંજના સુમારે જ્યાંથી યાત્રિકોને પ્રવેશ આપવાનો છે ને જ્યાં દર્શન કરવાના છે તેનો આખો રૂટ તપાસવામાં આવ્યો હતો. જોકે હાલમાં કોરોના મહામારીને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે આયુર્વેદિક ઉકાળાની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત અંબાજી મંદિ માં ત્રણ ટેમ્પરેચર માપવા માટેના થર્મલ મશીનો તેમજ ટેમ્પરેચર ગન ની પણ વ્યવસ્થા કરી છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતી અંબિકા ભોજનાલયમાં જ્યાં યાત્રિકો ને 16 રૂપિયાના ટોકન દરથી જમાડવામાં આવતા હતા તેના બદલે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે આ ભોજન વ્યવસ્થા સંપૂર્ણ નિઃશુલ્ક કરી દીધી છે.