વડોદરા : વડોદરા શહેરમાં મુખ્ય બજારો અને દુકાનોને રાતોરાત સીલ કરીદાઇને તાનાશાહી કરનાર તંત્રના શીર્ષાસન પછીથી ત્રણ દિવસ માટે બંધ કરાયેલા બજારોને સોમવારથી અધવચ્ચે ખોલવાનો ર્નિણય લેવાતા બજારો ખુલતા તાનાશાહોના ફુગગાની હવા નીકળી જતા બજારો-વેપારીઓમાં દેવદિવાળીએ દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. કોરોના મહામારીના હોટ સ્પોટ ગણીને સીલ કરાયેલ બજારો ખુલતા ગ્રાહકોની ભીડ ઉમટી પડી હતી. તેમજ બજારો અને દુકાનોને ખોલવાની મંજૂરી આપવા છતાં મોલો બંધ રાખવાનો ર્નિણય લેવાતા મોલો બંધ હોઈ દુકાનોમાં ગ્રાહકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. જો કે ગ્રાહકો પાસે કોરોનાની ગાઈડલાઇનનું કડકાઈથી પાલન કરાવાયું હતું. તેમજ આ બજારો ખુલતા તંત્રને પણ જાણે કે લોટરી લાગી ગઈ હોય એમ ૮૬૨ માસ્ક વિના ફરનારને ઝડપીઓ પાડીને પ્રત્યેક વ્યક્તિ પાસેથી એક હજાર રૂપિયા લેખે રૂપિયા ૮.૬૨ લાખના દંડની વસુલાત કરવામાં આવી હતી.   

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના મુખ્ય બજારો અને શહેરી વિસ્તારની દુકાનોને એકાએક સીલ મારવાની કાર્યવાહી કરીને ત્રણ દિવસને માટે બંધ કરી દેવાતા વેપારીઓમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્‌યો હતો. તાનાશાહોના તઘલખી ર્નિણયને લઈને વેપારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. તેમજ એકતરફ વેપારી એસોશિએશને આ બાબતને લઈને ઉગ્ર વિરોધ કરતા તેમજ બીજી તરફ કોંગ્રેસ દ્વારા વેપારીઓની તરફેણમાં સહી ઝુંબેશ હાથ ધરતા શાસકોના પગ નીચેથી ધરતી સારી રહી હોય એવું લાગતા તત્કાળ શહેરના સાંસદ, શહેર ભાજપના અધ્યક્ષ અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં વેપારી એસોશિએશનની મિટિંગ યોજાઇ હતી.

જેમાં વડોદરા ખાતે કોરોના અંગેની કામગીરીને લઈને ખાસ ફરજ પરના અધિકારી તરીકે નિમાયેલ ડો.વિનોદ રાવને ઉપસ્થિત રખાયા હતા. જેઓની હાજરીમાં ત્રણ દિવસ માટે સીલ કરાયેલા શહેર વિસ્તારના પ્રમુખ બજારોને બે દિવસ બાદ સોમવારથી પુનઃ ખોલવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. અલબત્ત આ ર્નિણયમાં કોવિદની ગાઈડલાઇનના પાલનની શરત રાખવામાં આવી હતી. પરંતુ એમાં વેપારીઓ પર જે કડકાઈ અગાઉ દાખવવામાં આવી હતી. એને બુઠી તલવાર જેવી બનાવી દેવાઈ હતી. તેમજ આને માટે ગ્રાહકો પાસેથી દંડ વસૂલવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. વેપારીઓને માત્ર એક બે નાની નાની બાબતોનું પાલન કરવા અંગે સલાહ સૂચનો આપવા સિવાયની કોઈપણ પ્રકારની માર્ગદર્શિકા આપવામાં આવી નહોતી. જેથી તંત્રની કામગીરીથી નિશ્ચિત થઈને ભય વિના વેપારીઓ અને દુકાનદારોએ વેપાર કર્યો હતો. જો કે પ્રત્યેકને ત્યાં સૅનેટાઇઝર અને માસ્ક જોવા મળતા હતા. અલબત્ત બજારમાં લગ્નસરાની ખરીદીને માટે ભીડ જોવા મળી હોવા છતાં ધાર્યા પ્રમાણે ઘરાકી નીકળી નથી એમ કેટલાક અગ્રણી વેપારીઓએ જણાવ્યું છે. તેમ છતાં બેઠા કરતા બજાર ભલું એમ માનીને વેપારીઓએ જે કઈ ઘરાકી થઇ એનાથી સંતોષનો ઓઢકાર લીધો છે. તેમજ એક વખત બજાર ખુલવાની વાત ફેલાતા દિવસે દિવસે પુનઃ ઘરાક વધતા ઘરાકી વધશે એવી આશા વેપારીઓએ વ્યક્ત કરી છે. જો કે તેઓએ સાથોસાથ એવી વાત પણ કરી હતી કે, સોમવારના રોજ વડોદરા શહેર વિસ્તારના બજારો બંધ રહે છે. એવા ખ્યાલને લઈને પણ ગ્રાહકોએ આવવાનું ટાળતા ઘરાકી ઓછી નીકળી હોવાની આશંકા પણ તેઓએ વ્યક્ત કરી છે. લગ્નસરાની સીઝનની છેલ્લી ઘડીની ખરીદીને લઈને મંગળવારથી નોંધપાત્ર ઘરાકી નીકળવાની આશા વેપારીઓએ વ્યક્ત કરી છે.