મહેસાણા,તા.૮ 

 સુરત બાદ એક વર્ષે અમદાવાદમાં અગ્નિકાંડ સર્જાતાં સફાળી જાગેલી મહેસાણા નગરપાલિકાએ શુક્રવારે હાથ ધરેલી તપાસમાં ૩૦ હોસ્પિટલો ફાયરની એનઓસી વિના રામભરોસે ચાલતી હોવાનું અને તેમાં તબીબોએ સમખાવા પૂરતું માત્ર ફાયર એકસ્ટીંગ્યુસર સિવાય કોઇ સાધન વસાવ્યું નહીં હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેને પગલે તમામને ફાયર અધિકારીએ નોટિસ આપી ૩ દિવસમાં સિસ્ટમ વ્યવસ્થિત કરવા અને સર્ટિફિકેટ જમા કરાવવા તાકીદ કરી છે. જોકે, પાલિકાએ આપેલી નોટિસ સંબંધે કાર્યવાહીનો ર્નિણય ગાંધીનગર બેઠેલા અધિકારીઓ કરશે.અમદાવાદની શ્રેય હોસ્પિટલ જેવી દુર્ઘટના મહેસાણામાં પણ ઘટે તો નવાઇ નહીં. દર્દીઓના જોખમે મહેસાણામાં ચાલતી ૨૮૮ હોસ્પિટલો, ક્લિનિક અને લેબ પૈકી ૩૦ જગ્યાએ શુક્રવારે પાલિકાના ફાયર અધિકારી હરેશ પટેલે ટીમ સાથે તપાસ કરી હતી. જેમાં તમામ હોસ્પિટલો પાસે ફાયરની એનઓસી તો નથી, પરંતુ ફાયર સેફ્ટી પ્રિવેન્સન અને પ્રોટેકશન માટેની કોઇ સુવિધા પણ ન હોવાનું ખુલ્યું છે. હોસ્પિટલોમાં માત્ર ફાયર એકસ્ટીંગ્યુસર સિવાયનાં સાધનો જોવા મળ્યા નથી અને જે છે તે પૂરતા નથી. તેમજ કેટલાકમાં જૂની તારીખ અને નોઝલ ઉપર કાટ ખાઇ ગયો જોવા મળ્યો હતો. ઉપરાંત, ફાયર એક્સ્ટીંગ્યુસર પણ ૫૦૦ ચોરસ મીટરે ૨ બોટલો હોવી જોઇએ તે નિયમનો પણ છડેચોક ભંગ થતો જોવા મળ્યો હતો. સાથે જરૂરી આપાતકાલીન માર્ગની વ્યવસ્થા પણ ૯૦ ટકા હોસ્પિટલોમાં નથી. અમદાવાદની શ્રેય હોસ્ટિટલમાં લાગેલી આગમાં કોરોનાના ૮ દર્દીના મોતની ઘટના બાદ સરકારે આપેલી સૂચનાના પગલે મહેસાણા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમોએ શુક્રવારે હોસ્પિટલો, ક્લિનિક અને લેબોરેટરીઓમાં તપાસ હાથ ધરી હતી. જેમાં હોસ્પિટલો પાસે ફાયર એનઓસી ન હોવાનું ખુલ્યું છે. ગુજરાત રાજ્ય મેડિકલ એસોસીએશનના સાઇન્ટીફીક સેક્રેટરી ડાૅ. અનિલ પટેલ જણાવ્યું કે મહેસાણામાં જેમણે પણ ફાયરનું એનઓસી લીધું ન હોય તેમણે તાત્કાલિક ફાયર સેફ્ટીના મેજરમેન્ટ મુજબ સાધનો વિકસાવવા જોઇએ. સુરત અને અમદાવાદ જેવી ઘટના આપણે ત્યાં પણ થવાની છે તે વિચારી પ્રિકોશનના ભાગરૂપે સાધનો વસાવવા જોઇએ. ફાયર અધિકારી હરેશ પટેલે કહ્યું કે, ૩૦ તબીબોને નોટિસ આપી ૩ દિવસમાં સિસ્ટમ વ્યવસ્થિત કરવા અને ફાયરનું સર્ટિફિકેટ જમા કરાવવા સૂચના અપાઇ છે અને તે અનુસંધાને આવનારા જવાબ સ્ટેટ ફાયર વિભાગમાં મોકલી આપીશું, જે કાર્યવાહી સંબંધે નક્કી કરશે.