વડોદરા, તા.૮

એપ્રિલ મહિનાનો હજુ તો પ્રારંભ થયો છે. ત્યાં આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમી અને સાથે લૂ લાગે તેવા પવન ફૂંકાતાં હિટવેવ વચ્ચે આજે મહત્તમ તાપમાનનો પારો ૪૩.૨ ડિગ્રી સેન્ટિગ્રેડ સાથે ચાલુ ગરમીની ઋતુમાં સર્વાધિક તાપમાન નોંધાતાં લોકો ત્રાહિમામ્‌ પોકારી ઊઠયા હતા અને મે મહિનામાં શું થશે તે અંગે ચિંતાતુર બન્યા હતા.

આ વરસે ગરમી આકરી રહે તેવો પ્રારંભથી જ ચિતાર મળવાની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારે માર્ચ મહિનો પૂરો થતાં સુધીમાં તો ગરમીએ બરોબર જમાવટ કરી દીધી હતી અને ચૈત્ર મહિનો શરૂ થતાં આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમીના કારણે લોકો ત્રાહિમામ્‌ પોકારી ગયા છે. ગરમી સીઝનનો નવો રેકોર્ડ નોંધાવી રહી હોય તેમ એપ્રિલ મહિનાના શરૂઆતના દિવસોમાં સતત ૪૦ ડિગ્રી ઉપર રહેતા ગરમીનો પારો અને સાથે લૂ લાગે તેવા ગરમ પવનને કારણે લોકો મહત્ત્વના કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

જ્યારે બીજી તરફ અંગોને દઝાડતા આકરા તાપને કારણે લોકોએ બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળતાં રાજમાર્ગો સૂમસામ જાેવા મળી રહ્યા છે અને જનતા કરફયૂ જેવા દૃશ્યો સર્જાયા જાેવા મળી રહ્યા છે. ગરમીના પ્રારંભ સાથે શેરડીના કોલા, લસ્સી, છાશની લારીઓ, દુકાનો ધમધમી રહી છે, સાથે બરોડા ડેરીની છાશનો ઉપાડ પણ એકાએક વધી ગયો છે. આ વરસે એપ્રિલ મહિનામાં જ ગરમી તેના પાછલાં રેકોર્ડ તોડે તેવી શક્યતા વચ્ચે આજે મહત્તમ તાપમાન ૧.૧ ડિગ્રીના વધારા સાથે ૪૩.ર ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ર૪.૪ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ પ૮ ટકા જે સાંજે ઘટીને ર૦ ટકા થતાં સૂકા ગરમ પવનના કારણે લોકો પરેશાન થયા હતા. જ્યારે ઉત્તર-પશ્ચિમ તરફથી ૭ કિ.મી.ના ઝડપે લૂ લાગે તેવા પવન ફૂંકાયા હતા. જાે કે, આ વરસે તાપમાન ૪પ ડિગ્રીને પાર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.