દુબઇ 

કિંગ્સ ઇલેવન પંજાબના બેટ્સમેન મનદીપ સિંહ માટે શનિવારનો દિવસ ખૂબ જ ભાવનાત્મક રહ્યો હતો. હકીકતમાં તેના પિતાનું શુક્રવારે નિધન થયું હતું. જ્યારે મનદીપ હાલમાં સંયુક્ત આરબ અમીરાતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે. શનિવારે પંજાબની મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હતી અને મયંક અગ્રવાલને ઈજા થવાને કારણે કેપ્ટન લોકેશ રાહુલ સાથે મનદીપ સિંહ ઓપનિંગમાં ઉતર્યો હતો. 

ઘરે પરત ફરવાને બદલે મનદીપ સિંહ ટીમ સાથે રહ્યો અને મેચ રમવાનું નક્કી કર્યું. આ કારણોસર જ લોકેશ રાહુલના નેતૃત્વ હેઠળની ટીમના ખેલાડીઓએ તેમના હાથ પર કાળા પટ્ટા પહેર્યા હતાં. આ રોમાંચક મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હાર મળી હતી. આ જીત પછી તેણે ફેસબુક પર બે તસવીરો શેર કરતા કેપ્શન લખ્યું કે- આ જીત તમારા માટે છે પાપા… 

મેચમાં મનદીપે 17 રન બનાવ્યા હતા અને તે પ્રથમ વિકેટ તરીકે 37 રનના ટીમના સ્કોર પર આઉટ થયો હતો. મનદીપે 14 બોલની ઈનિંગમાં 1 ચોગ્ગો ફટકાર્યો હતો અને રાહુલ 37 રનની પાર્ટનરશીપ કરી હતી. મનદીપ ઈનિંગની 5મી ઓવરમાં સંદીપ શર્માની બોલ પર રશીદ ખાનના હાથે કેચ આઉટ થયો હતો. 

આ પહેલા કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર મનદીપના પિતાના મોત અંગે ટ્વિટ કરી હતી. પરંતુ તેના ભાઇ હરવિન્દરસિંહે આ અહેવાલોને ફગાવ્યા હતાં. કારણકે તે સમયે તેમના પિતા વેન્ટિલેટર પર હતાં. મનદીપ સિંહના કરિયરની વાત કરીએ તો તે આ લીગમાં 2010થી રમી રહ્યો છે અને તેણે 1500થી વધુ રન બનાવ્યા છે. તેના નામે 5 અડધી સદી પણ છે.