નવી દિલ્હી 

ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે કોરોના વાયરસના કારણે પોતાનો વધુ એક મિત્ર ગુમાવી દીધો છે. સચિન અને વિનોદ કાંબલી સાથે સનગ્રેસ મફતલાલ માટે રમનારા વિજય શિર્કેનું કોરોનાથી નિધન થયું છે. 57 વર્ષીય વિજય શિર્કે ઝડપી બોલર હતા અને તેમને કોરોના થતા થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં શનિવારે તેમનું નિધન થયું હતું.

ઓક્ટોબરમાં સચિન તેંડુલકરના એક નજીકના મિત્ર અવી કદમનું પણ કોવિડ-19ના કારણે નિધન થયું હતું. કોરોનાના કારણે શિર્કેનું નિધન થતાં મુંબઈ ક્રિકેટ સર્કલમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. એક મિત્રએ જણાવ્યું હતું કે, શિર્કે થોડા વર્ષો અગાઉ થાણેમાં રહેવા ગયા હતા અને થાણેની હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે. તેઓ કોરોનામાંથી સાજા થઈ રહ્યા હતા પરંતુ બાદમાં તેમની તબીયત ખરાબ થઈ હતી. 

મૂળ કલ્યાણના શિર્કે મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના (એમસીએ) અંડર-17 સમર કેમ્પમાં થાણેમાં બે વર્ષ કોચ પણ રહ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઝડપી બોલર સલિલ અંકોલાએ વિજય શિર્કેના નિધન અંગે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે ફેસબુક પર ટીમની જૂની તસ્વીર પોસ્ટ કરતા લખ્યું હતું કે, તું ઘણો વહેલો જતો રહ્યો મિત્ર. ભગવાન તારી આત્માને શાંતિ અર્પે. મેદાનમાં અને મેદાનની બહાર આપણે પસાર કરેલો સમય ક્યારેય નહીં ભૂલાય.