નવી દિલ્હી 

ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટની સીરિઝ પહેલાં ટીમ ઇન્ડિયા-A 3 દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચને ફર્સ્ટ ક્લાસ સ્ટેટસ આપવામાં આવ્યું છે. પ્રથમ દિવસના અંતે ઇન્ડિયા-Aએ 8 વિકેટે 237 રન કર્યા. અજિંક્ય રહાણેએ કપ્તાની ઇનિંગ્સ રમતા પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરની 34મી સદી ફટકારી 108* રન બનાવ્યા. જ્યારે ચેતેશ્વર પુજારાએ પણ સારી રમત દાખવતાં 54 રનનું યોગદાન આપ્યું. ટીમના અન્ય તમામ બેટ્સમેન નિષ્ફ્ળ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા-A માટે જેમ્સ પેટિન્સને સર્વાધિક 3 વિકેટ લીધી હતી.

સિડનીના ડ્રમમોયેન ઓવલ ખાતે ઇન્ડિયા-Aના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી. શુભમન ગિલ પ્રથમ બોલે અને પૃથ્વી શો આઠમા બોલે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન ભેગા થયા હતા. 6 રનમાં 2 વિકેટ પડી ગયા પછી હનુમા વિહારીએ ચેતેશ્વર પુજારા સાથે હાથ મિલાવ્યા હતા. વિહારી પોતાને મળેલી શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો અને 15 રને આઉટ થયો હતો.

પુજારા અને રહાણેએ ચોથી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી હતી. પુજારાના આઉટ થયા પછી રિદ્ધિમાન સાહા અને રવિચંદ્રન અશ્વિન પણ મોટું યોગદાન ન આપી શકતા અનુક્રમે 0 અને 5 રને આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા માટે પેટિન્સન ઉપરાંત ટ્રેવિસ હેડ અને માઈકલ નેસરે 2-2 વિકેટ, જ્યારે જેક્સન બર્ડે 1 વિકેટ લીધી હતી.