વડોદરા, તા. ૨૯

શહેરના ઐતિહાસિક એવા ચાર દરવાજા પૈકીના ગેંડીગેટ દરવાજાની અંદર આવેલા ગોખલાની આસપાસ પોપટીરંગથી મસ્જીદનું ચિત્ર દોરી તેમજ ગોખલામાં ગોળ પથ્થર મુકી તેમાં ગુલાબના ફુલો મુકી આ સ્થળને ધાર્મિકસ્થળનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી તેમજ કોમીએકતા ખંડિત કરવાનો નાપાક પ્રયાસ કરાયો હોવાના એકમાત્ર ‘લોકસત્તા-જનસત્તા’ના અહેવાલ બાદ સફાળી જાગેલી પોલીસે આજે આ વિવાદાસ્પદ ચિત્રણ પણ કુચડો ફેરવી દઈ વિવાદનો અંત લાવતા મામલો થાળે પડ્યો છે. એટલું જ નહી પોલીસ સ્ટેશનના સાવ સામે અને સીસીટીવી કેમેરા કાર્યરત હોવા છતાં આવુ કૃત્ય કોણે અને શા માટે કર્યું તે દિશામાં પણ પોલીસે હવે તપાસ શરૂ કરી છે.

શહેરમાં ગાયકવાડી શાસન દરમિયાન નિર્માણ કરાયેલા ચાર દરવાજાઓ વડોદરા શહેરનો વૈભવ અને સાંસ્કૃતિક વારસાના ધરોહર સમાન હોઈ આ ચારેય ઐતિહાસિક દરવાજાની તંત્ર દ્વારા સમયાંતરે જાળવણી માટે જંગી ખર્ચો પણ કરવામાં આવે છે. આ ચાર દરવાજા પૈકી વાડી પોલીસ મથકની સામે આવેલા ગેંડીગેટ દરવાજાની અંદર અઠવાડિયા અગાઉ કોઈ કટ્ટરવાદી અને અસામાજિક તત્વોએ શહેરની કોમીએકતા ખંડિત કરી શાંતિમાં પલિતો આપવાનું નાપાક કૃત્ય કર્યું હતું. આ તત્વોએ તક મળતા જ ગેંડીગેટની અંદર માંડવી તરફ જતા માર્ગ પર આવેલા એક ગોખલાની આજુબાજુમાં પોપટી રંગથી મસ્જીદનું ચિત્રણ કર્યું હતું તેમજ ગોખલામાં ગોળાકાર પથ્થર મુકી તેમાં બે દિવસ સુધી ગુલાબના ફુલો અને લીંબુ મુકી પુજાપાઠ-બંદગી કરી હતી. આ સમગ્ર ઘટનાનો એકમાત્ર ‘લોકસત્તા-જનસત્તા’માં વિગતવાર અહેવાલ પ્રસિધ્ધ થતાં પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું હતું અને આવી ઘટનાનો સ્થાનિક રહીશોએ પણ ઉગ્ર વિરોધ કર્યો હતો.

ગેંડીગેટની આસપાસ હિન્દુ-મુસ્લીમ કોમની બહોળા પ્રમાણમાં વસ્તી હોઈ આ કૃત્યનો જાે કોઈ એક કોમ દ્વારા વિરોધ કરાય તો કદાચ આ સમગ્ર મામલાને કોમવાદનું સ્વરૂપ મળે અને તેના કારણે આ વિસ્તારમાં કોમીશાંતિમાં પલિતો ચંપાય અને કોમીભડકો થાય તેવી ગણતરી સાથે અજાણ્યા તત્વોએ ગેંડીગેટમાં પણ ધાર્મિકસ્થળ છે તેવું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે આ વિસ્તારમાં બંને કોમના રહીશોએ સમજદારી દાખવી આ વિવાદમાં ઝંપલાવવાના બદલે પોલીસ તંત્રની કામગીરી પર વિશ્વાસ રાખ્યો હતો.

બીજીતરફ વાડી પોલીસે પોતાના નાક નીચે અને દરવાજાને સાવ અડીને આવેલા સીસીટીવી કેમેરાના સામે આ રીતે ચિત્ર દોરી ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરતા આ વિવાદને ટાળવા માટે આજે આ વિવાદાસ્પદ ચિત્રણ પર ગેરુ (માટલાના રંગનો) કુચડો ફેરવી દીધો હતો અને અંદર ગોખલામાંથી લીંબુ, ફુલોનો કચરો પણ હટાવી દીધો હતો. શહેરની કોમીએકતા ખંડિત કરનાર તત્વો કોણ છે તે દિશામાં પણ વાડી પોલીસે હવે તપાસ શરૂ કરી છે.