અમદાવાદ-

પોલીસ લોકોની સુરક્ષા માટે હર હંમેશ માટે તૈયાર રહેતી હોય છે પણ અમદાવાદ શહેરમાં પોલીસ જ સુરક્ષિત નથી તેમ લાગી રહ્યુ છે. છેલ્લા ૨ વર્ષમાં અમદાવાદમાં પોલીસની ૧૪૨ હુમલાની ઘટના બની છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રશ્નોતરી કાળ દરમિયાન દરિયાપુરના ધારાસભ્ય દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો જેનો સરકારે જવાબ આપ્યો છે. દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રશ્નોતરી કાળ દરમિયાન અમદાવાદ શહેરમાં પોલીસ અધિકારી/કર્મચારી પર હુમલાના બનાવો અંગે સવાલ પૂછ્યો હતો. જેનો મુખ્યમંત્રી (ગૃહ) જવાબ આપ્યો હતો.

ગ્યાસુદ્દીન શેખે પૂછ્યુ હતું કે ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં પોલીસ અધિકારી/ કર્મચારી પર હુમલાના કેટલા બનાવો બન્યા છે. સરકારે કોંગ્રેસના ધારાસભ્યને જવાબ આપતા કહ્યુ કે, ૧ ફેબ્રુઆરી ૨૦૧૯થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધી ૭૨ ઘટના તેમજ ૧ ફેબ્રુઆરી ૨૦૨૦થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ વચ્ચે હુમલાની ૭૦ ઘટનાઓ બની છે. આ દરમિયાન ૭૨ ઘટનામાં ૩૨૭ ઇસમો સામે કાર્યવાહી તેમજ ૭૦ કિસ્સામાં ૩૨૩ ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

જ્યારે ૪૬ ઇસમો સામે કાર્યવાહી કરવાની બાકી છે. સરકારે કાર્યવાહી કરવાની બાકી હોવાના કારણ જણાવતા કહ્યુ કે, આરોપી દ્વારા નામદાર કોર્ટમાંથી સ્ટે મેળવેલ છે, આરોપીના નામ, સરનામાની અધુરી વિગત તેમજ આરોપી ભાગેડુ જાહેર થવાનું કારણ જણાવ્યુ હતું.