ભરૂચ

થોડા સમય પહેલા કોરોનાનો ભય આગળ ધરી ભરૂચ નગરપાલિકા પ્રમુખે સાધારણ સભા બોલાવવાનું ટાળ્યું હતું. પાલિક પ્રમુખે બેધારી નિતિ અપનાવી ભાજપના નવનિયુક્ત જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાનો પોતાની કેબિનમાં જ સન્માન સમારોહ યોજી સોશીયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડાડવાની ઘટના બહાર આવતા રાજકીય ક્ષેત્રે તેના ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા છે.ભારતીય જનતા પાટીર્ના જીલ્લા પ્રમુખ તરીકે મારૂતિસિંહ અટોદરિયાની વરણી કરાતા નગરપાલિકા પ્રમુખે તેમનો સન્માન સમારોહ પોતાની ચેમ્બરમાં જ રાખ્યો હતો. એક તરફ કોરોના વાઈરસના સંક્રમણના ભયને લઈને સરકારે ગાઈડલાઈનો જારી કરી છે. લગ્ન સહિતના સમારંભો અને જાહેરમાં પણ સોસીયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા માટેના આદેશ કરાયા છે. આમ છતાં પણ ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ પોતાની ચેમ્બરમાં મારૂતિસિંહ અટોદરિયાનો સન્માનનો કાર્યક્રમ યોજી પચાસથી વધુ લોકોને પોતાની નાનકડી ચેમ્બરમાં એકઠા કરી સોસીયલ ડીસ્ટન્સીંગના લીરેલીરા ઉડાવ્યા હોવાની ઘટના બહાર આવી છે. આ મામલે સમશાદ અલી સૈયદ (વિપક્ષ નેતા) જણાવ્યુ હતુ કે ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના સભાખંડમાં સોસીયલ ડિસ્ટન્સીંગ રાખી થઈ શકે તેમ હતી. આમ છતાં પણ આપખુદ બનેલા શાસકોએ કોરોનાનું બહાનું આગળ ધરી સામાન્ય સભા કરવાનું ટાળ્યું હતું. ૩૦૦થી વધુ લોકોની કેપેસીટી ધરાવતા હોલમાં માત્ર પચાસ લોકોની સાથે સામાન્ય સભા થઈ શકે તેમ હતી. અને શહેરના હિતમાં આ સામાન્ય સભા કરવી જરૂરી પણ હતી. આમ છતાં પાલિકા પ્રમુખે સામાન્ય સભા કરવાનીના પાડી હતી. જ્યારે હવે એક નાનકડી ચેમ્બરમાં ૫૦ લોકોને ભેગા કરી ભાજપના જીલ્લા પ્રમુખના સન્માનનો કાર્યક્રમ કરી, સોશીયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડાવ્યા છે.