વડોદરા : બાજવામાં પરિવાર સાથે રહેતો યુવાન સિવિલ કોન્ટ્રાક્ટર ગત શુક્રવારની મોડી સાંજે તેની કારને સિંધરોટ રોડ પર પોલીસ ચોકી પાસે પાર્ક કર્યા બાદ ભેદી સંજાેગોમાં ગુમ થતા ચકચાર જાગી છે. યુવકની લાલ રંગની કારમાં આવેલા ચાર ઈસમો અપહરણ કરીને લઈ ગયાની વાત વહેતી થતા તાલુકા પોલીસે યુવકની ગુમ થવાની અરજીના આધારે તેની ઘનિષ્ટ શોધખોળ શરૂ કરી છે. જાેકે બે દિવસ બાદ પણ યુવકનો કોઈ પત્તો નહી લાગતા પરિવારજનોમાં કંઈક અઘટિત થયાની શંકાએ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.બાજવા વિસ્તારના પરબીડિયા ફળિયામાં માતા-પિતા તેમજ પત્ની અને બે પુત્રીઓ સહિતના પરિવાર સાથે રહેતો ૩૮ વર્ષીય લલિત જગન્નાથ પરમાર તેના ભાગીદાર ભદ્રેશ સાથે મકાન બાંધકામ અને લેબર સપ્લાયનો કોન્ટ્રાક્ટનો વ્યવસાય કરે છે. આ બંને ભાગીદારોના હાલમાં નંદેસરી જીઆઈડીસી તેમજ વડોદરા શહેરમાં ચાર સ્થળોએ કામ ચાલી રહ્યા છે. ગત ૧૮મી તારીખના સાંજે લલિત પરિવારજનોને કામ માટે બહાર જઉ છુ તેમ કહીને તેની કાર લઈને નીકળ્યો હતો. જાેકે મોડી રાત સુધી તે પરત નહી ફરતા પરિવારજનો અને ભાગીદારે તેનો ફોન કર્યા હતા પરંતું ફોન રિસિવ નહી કરતા તેઓએ તેની શોધખોળ શરૂ કરી હતી.આ દરમિયાન તેઓને જાણ થઈ હતી કે લલિતની કાર સિંધરોટ રોડ પર આવેલી પોલીસ ચોકી પાસે બિનવારસી હાલતમાં પડેલી છે. આ વિગતોના પગલે તેઓએ તુરંત સિંધરોટચોકી પાસે તપાસ કરી હતી જેમાં તેનો મોબાઈલ ફોન કારમાં હોવાની જાણ થઈ હતી. આ બનાવની જગન્નાથભાઈએ તાલુકા પોલીસ મથકમાં પોતાના પુત્રના ગુમ થવાની અરજી કરતા પોલીસે લલિતનો ફોન કબજે કરી તેના કોલ ડિટેઈલ્સના આધારે તપાસ શરૂ કરી છે. જાેકે પોલીસ ચોપડે લલિત ભેદી સંજાેગોમાં ગુમ થયાની નોંધ કરાઈ છે. 

લલિતે ૧૨ મિત્રો પાસે ૧૦-૧૦ હજાર કોના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા?

ભેદી સંજાેગોમાં ગુમ થયેલા લલિતના પિતા જગન્નાથભાઈએ જણાવ્યું હતું કે લલિત અને તેના ભાગીદાર ભદ્રેશ વચ્ચે કોઈ વિવાદ નથી તેમજ અમારી ઘરે અત્યાર સુધી લેણદાર ઉઘરાણી માટે આવ્યા નથી. જાેકે અમને એવી માહિતી મળી છે કે લલિતે બે દિવસ અગાઉ તેના બારેક જેટલા મિત્રો મારફત એક જ વ્યકિતના એકાઉન્ટમાં ૧૦-૧૦ હજાર ગુગલ પેથી ટ્રાન્સફર કરાવ્યા હતા. લલિતે કોના એકાઉન્ટમાં મિત્રો મારફત પૈસા ટ્રાન્સફર કરાવ્યા તે દિશામાં પોલીસ તપાસ કરે તો કદાચ તેના સગડ મળી શકશે.

ગુમ થતાં અગાઉ ભાગીદાર સાથે કામની ચર્ચા કરી હતી

લલિત અને તેના ભાગીદાર ભદ્રેશ બંને જણા ચારેક જેટલા પ્રોજેક્ટ પર હાલમાં કામ કરી રહ્યા છે અને તેના કારણે તેઓ સતત એકબીજાના સંપર્કમાં રહે છે. લલિત શુક્રવારની સાંજે ગુમ થયો તેની થોડીક મિનીટો અગાઉ જ તેણે ભદ્રેશ સાથે બીજાદિવસે એટલે કે શનિવારે શું કામકાજ કરવાનું છે અને ક્યાં કેટલા લેબર મોકલવાના છે તેની વિગતવાર ચર્ચા પણ કરી હતી. જાેકે ચર્ચા દરમિયાન તે એકદમ સ્વસ્થ હોવાનું ભદ્રેશે તેના ભાગીદારના પરિવારજનોને જાણ કરી હતી અને તે પણ બે દિવસથી પરિવારજનો સાથે શોધખોળમાં દોડી રહ્યો છે.

પોલીસે કહ્યું, અહી પાર્કિંગ નથી છતાં કાર મૂકી રવાના થયો

લલિત ઘરેથી ૫૦ હજાર જેટલી રોકડ લઈને તેની સાથે નીકળ્યો હોવાનું હાલમાં કહેવાઈ રહ્યું છે. જાેકે તે સિંધરોટ રોડ પર કેમ ગયો તેની પરિવારજનોને પણ જાણ નથી. તેણે સિંધરોટ પોલીસ ચોકીની આગળ તેની કાર પાર્ક કરતા જ ત્યાં હાજર પોલીસ જવાનોએ તેને અહીંયા પાર્કિંગ નથી તેમ કહી કારને ત્યાંથી આગળ લઈ જવા કહ્યું હતું જેમાં તેણે માથુ હલાવીને પોલીસને ઈશારો કર્યો હતો અને કારને ત્યાં જ છોડીને આગળ ચાલતો નીકળ્યો હતો.