વડોદરા, વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા અને પાલિકાના જમીન સંપાદનના અધિકારીની આગેવાની હેઠળની ટીમ જયરત્ન ચાર રસ્તા નવાપુરા ખાતે જેસીબી અને મોટા કાફલા સાથે વર્ષો જુના સિદ્ધિ વિનાયક ગણેશજી મંદિરને તોડવાને માટે દોડી ગઈ હતી.પરંતુ સ્થાનિકોના ઉગ્ર આક્રોશ અને વિરોધને લઈને પાલિકાની ટીમોને કોઈપણ પ્રકારની કામગીરી કર્યા વિના વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો.અલબત્ત આ કામગીરીની આગેવાની લેનાર પાલિકાના અધિકારીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે રોડ લાઈનમાં નડતરરૂપ મંદિરને હટાવવાને માટે કોઈપણ હિસાબે કાર્યવાહી કરવામાં આવશે. આ માટે આગામી દિવસોમાં પોલીસ અને અન્યોના પૂરતા બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરીને મંદિરની જગ્યાને રોડલાઇનને માટે ખુલ્લી કરવામાં આવશે. આને લઈને આગામી દિવસોમાં આ મંદિર બાબતે વિવાદ વધુ વકરવાની શક્યતાઓ જાેવાઈ રહી છે.  

નવાપુરામાં જયરત્ન ચાર રસ્તા પાસે સ્થાનિકોમાં થતી ચર્ચા અનુસાર વર્ષો અગાઉ દેશની સૌથી જૂનામાં જૂની સહકારી બેન્ક અન્યોન્ય બેન્કના અગ્રણી દ્વારા ઉદાર હાથે સહયોગ આપીને સિદ્ધિ વિનાયક મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરનો વહીવટ હાલમાં અલગ અલગ ક્ષેત્રના અગ્રણીઓ કરી રહયા છે. આ મંદિરનું વહીવટકર્તાઓ દ્વારા હાલમાં નવીનીકરણ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન બુધવારે સવારે પાલિકાના અધિકારી સુરેશ તુવેરની આગેવાનીમાં પાલિકાના જમીન સંપાદન વિભાગ અને દબાણ શાખાની ટીમો મંદિરની જગ્યા પર જેસીબી ફેરવીને જમીનદોસ્ત કરવાને માટે પહોંચી ગઈ હતી. પરંતુ આ વાત વાયુવેગે પ્રસરી જતા ઘટના સ્થળે સ્થાનિકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. આ ઉપરાંત સ્થાનિક ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ પણ દોડી ગયા હતા. પાલિકાની ટીમ દબાણ તોડવા આવતા કોંગ્રેસના સ્થાનિક વોર્ડના પૂર્વ કાઉન્સિલર બાલુભાઈ સૂર્વે પહોંચી ગયા હતા. તેઓએ મંદિરની આસપાસના દબાણ તોડવા બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમજ સ્થળ પર જ ધરણા કરવા બેસી ગયા હતા. તેમજ વિરોધ નોંધાવ્યો હતો. આ મંદિરના ૧૫ જેટલા ટ્રસ્ટીઓ છે. જેમાં બાલુ સૂર્વે પણ છે. આ ઉપરાંત આની જાણ થતા નજીકમાં રહેતા પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. એ સિવાય ભાજપના અગ્રણીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જેઓ સર્વેએ એકસંપ થઈને મંદિર તોડવા બાબતે ઉગ્ર વિરોધ નોંધાવતા દબાણ તોડવા ગયેલ ટીમને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. તેમજ જે મજૂરો લઈને પાલિકાની ટીમ મોટા ઉપાડે દબાણ તોડવાને માટે આવી હતી એને વિલા મોઢે પરત ફરવાનો ર્નિણય લેવો પડ્યો હતો.  

આ મંદિરની જગ્યા ખાનગી માલિકીની છે એમ જણાવી બાલુ સુર્વેએ જણાવ્યું હતું કે, મંદિર ૪૦ થી વધુ વર્ષ જૂનું છે. મંદિરના રીનોવેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં જગ્યા બે ફૂટ જેટલી અંદર લીધેલી છે. તેઓએ ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે જે ભગવાનના નામ પર ભાજપવાળા સત્તા સ્થાને બેઠા હતા. એને તોડાય નહિ.તેમ છતાં તેઓ હવે ચોક્કસ વ્યક્તિઓ સાથે સંકળાયેલા મંદિરોને કોઈને કોઈ બહાને નિશાન બનાવી રહયા છે. તેઓના ચાવવાના અને બતાવવાના દાત અલગઅલગ છે. તેઓએ આનું પરિણામ ભોગવવું પડશે. આ સમયે પાલિકાની ટીમ અને સ્થાનિકો વચ્ચે સંઘર્ષ થતા નવાપુરા પોલીસ તુર્તજ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ મામલો શાંત પાડ્યો હતો.પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ભથ્થુભાઈએ પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. કોઈના પેટમાં તેલ રેડાતા પાલિકાને ગેરમાર્ગે દોરીને ખોટી માહિતી આપીને પાલિકાની ટીમને દોડાવ્યાનું જણાવ્યું હતું. જાેકે પાલિકાના અધિકારી સુરેશ તુવેરે આગામી દિવસોમાં સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી પુનઃ હાથ ધરાશે એવો હુંકાર કર્યો હતો.