વડોદરા : બીસીએ દ્વારા કોટંબી ખાતે ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણપૂર્વે ગ્રાઉન્ડ, વિકેટ તેમજ ફેન્સીંગ વગેરેની કામગીરી પુરી કરવામાં આવી છે. જ્યારે આર્કિટેક્ટની નિમણૂંક મામલે અગાઉ મુંબઇના આર્કિટેક્ટની નિમણૂંક બાદ તેમનો ભાવ વધુ લાગતા વડોદરાના આર્કિટેક્ટ ફર્મની નિમણૂંક કરવામાં આવી છે. આમ સ્ટેડિયમના નિર્માણ માટે મેદાનની બહાર રમાતી રમતોપર ઢાંક પિછોડો કરવા હવે મેદાનની અંદર રમત રમાડવાની તૈયારી કરી છે. તા.૧૨મી શનિવારથી બીસીએ દ્વારા કોટંબીના મેદાન પર કિરણ મોરે ટી-૨૦ પ્રિમિયર લીગ રમડાવામાં આવશે. 

છેલ્લા અનેક વર્ષોથી વિવાદ, આક્ષેપ - પ્રતિઆક્ષેપો તેમજ અન્ય અનેક કારણોસર સૌથી જુનિ ક્રિકેટ એસાસિએશન એવા બરોડા ક્રિકેટ એસોસિએશનનું પોતાનું સ્ટેડિયમ ન હોવાથી ઇન્ટરનેશનલ મેચો મળતી ન હતી. હવે નવા સભ્યોએ બીસીએમા સત્તાના સુત્રો સંભાળ્યા બાદ પેન્ડીંગ એજીએમ પુરી કરી સ્ટેડિયમના નિર્માણની કામગીરીને પ્રાથમિકતા આપી તે દિશામા કામગીરી શરૂતો કરી છે પરંતુ વિવાદો યથાવત રહ્યા છે. સ્ટેડિયમ માટે અગાઉ જમીનનો વિવાદ ત્યાર પછી ડિઝાઇનને લઇને વિવાદ, કન્ટ્રક્શન કંપનીને આપેલા રૂા.૩૫ કરોડનો વિવાદ અને ત્યાર પછી મુંબઇના આર્કિટેક્ટફર્મની નિમણૂંક બાદ ભાવ વધુ જણાતા તેમને બદલીને વડોદરાના આર્કિટેક્ટફર્મની નિમણૂંક કરવામાં આવી હતી. કોટંબી ખાતે બીસીએ દ્વારા સ્ટેડિયમના નિર્માણપૂર્વે રાઉન્ડ ફેન્સીંગ, લોન વિકેટ, પાણીની વ્યવસ્થા માટે બોરવેલ સહિતની કામગીરી પુરી કરાઇ છે ત્યારે હવે આ ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટ રમાડવાની તૈયારીઓ શરૂ કરી છે. કોરોનાના કારણે આ વર્ષે માર્ચ પછી એક પણ ટુર્નામેન્ટ ગુમાઇ નથી ત્યારે તા.૧૨મી શનિવારથી કોટંબી ક્રિકેટ ગ્રાઉન્ડ પર કિરણ મોરે ટી-૨૦ પ્રિમિયર લીગ ટુર્નામેન્ટ રમાડશે. શનિવારે આ ટુર્નામેન્ટના ઉદઘાટન સમારોહ સાથે બાલભવન અને શ્રેયસ એકેડમી વચ્ચે પ્રથમ મેચ રમાશે ત્યારે બીસીએ વર્તુળોમાં સ્ટેડિયમ માટે બહાર રમાતી રમતોપર ઢાંકપીછોડો કરવા માટે હવે મેદાનની અંદર રમત રમાડાશે તેવી ચર્ચા શરૂ થઇ છે.

મુંબઇના આર્કિટેક્ટને ખાનગી માહિતી પહોંચાડનાર બીસીએનો વિભીષણ કોણ?

કોટંબી ખાતે સ્ટેડિયમના નિર્માણ માટે અગાઉ મુંબઇના આર્કિટેક્ટની નિમણૂંક કરવામાં આવી હતી પરંતુ બાદમાં ભાવ વધુ જણાતા વડોદરાના આર્કિટેક્ટ ફર્મની નિમણૂંક કરવામાં આવી હતી પરંતુ બીસીએ દ્વારા આર્કિટેક્ટ બદલવાના કિસ્સામાં મુંબઇના આર્કિટેક્ટને ખાનગી માહિતી પહોંચાડનાર બીસીએનો વ્યક્તિ કોણ? તે અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.